- પોલીસ વિભાગમાં મોટો નિર્ણય: DGP કમેન્ડેશન ડિસ્ક 110 થી વધીને 148, નવા હાઇટેક યુનિટ્સના જવાનોને પણ મળશે સન્માન
ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સરાહનીય કામગીરી બદલ અપાતા ‘ડીજીપી કમેન્ડેશન ડિસ્ક’ (DGP Commendation Disc) ની સંખ્યામાં રાજ્ય પોલીસ વડા દ્વારા મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સન્માન અંતર્ગત કુલ 110 ડિસ્ક એનાયત કરવામાં આવતી હતી, જે હવે વધારીને 148 કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ સાથેની સઘન ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
માત્ર ગુના નિવારણ જ નહીં, અન્ય યુનિટ્સને પણ મળશે સન્માન
અત્યાર સુધી પોલીસની કામગીરીને મુખ્યત્વે ગુના નિવારણ સાથે જ જોવામાં આવતી હતી. પરંતુ ટ્રાફિક વ્યવસ્થાપન, તહેવારોનો બંદોબસ્ત અને અન્ય મહત્વપૂર્ણ સુરક્ષા જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સન્માનના માળખાને વધુ વ્યાપક બનાવાયું છે.
હવેથી નીચે મુજબના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીની પણ ખાસ નોંધ લેવાશે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)
માઉન્ટેડ (અશ્વદળ) અને ડોગ યુનિટ
આર્મર અને બેન્ડ સ્ટાફના જવાનો
વહીવટી ફરજો બજાવતા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને સિવિલિયન કર્મચારીઓ (જેમને ખાસ ‘કમેન્ડેશન રોલ’ એનાયત કરાશે).
પોલીસ ફોર્સમાં આધુનિકીકરણ અને જંગી ભરતી
નોંધનીય છે કે, ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે વર્ષ 2020 માં ડીજીપી કમેન્ડેશન ડિસ્કની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019 થી 2026 ના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે 30,000 થી વધુ સ્ટાફની જંગી ભરતી કરવામાં આવી છે.
આ ઉપરાંત, બદલાતા સમયની ગુનાખોરી સામે લડવા નવી રેન્જ અને નવા જિલ્લાઓની રચના સાથે ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ અને ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ (ANTF) જેવા અત્યાધુનિક અને હાઇટેક યુનિટ્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ‘આરંભ ઈન્ડિયા’ના નામે છેતરપિંડી: ટીવી પ્રોડક્શનમાં રોકાણના બહાને શિક્ષક સહિત 113 લોકો સાથે 3.42 કરોડની ઠગાઈ
