અમદાવાદ : અમદાવાદના ચંડોળા-દાણીલીમડા વિસ્તારમાં બાંગ્લાદેશથી સગીર બાળાઓની તસ્કરી કરીને તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાના સનસનાટીભર્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી કાનૂની સફળતા મળી છે. સેશન્સ અને પોક્સો કોર્ટે 70 પાનાના વિગતવાર ચુકાદામાં બે મુખ્ય આરોપીઓને દોષિત ઠેરવી અનુક્રમે 20 વર્ષ અને 14 વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે. ઘટનાના માત્ર એક વર્ષના ગાળામાં કેસની તપાસ પૂર્ણ કરીને દોષારોપણ સાબિત કરવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી છે.
વર્ષ 2025 દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશથી સગીર વયની બાળાઓને ગેરકાયદે ભારત લાવી તેમની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 15 અને 16 વર્ષની બે સગીર બાળાઓને મુક્ત કરાવી હતી. આ કેસને “ઓપરેશન ચંડોળા” અંતર્ગત નોંધાયેલા પ્રથમ ગુના તરીકે ગણવામાં આવે છે.
તપાસ દરમિયાન પોલીસે મોહમ્મદ ફારૂક અને સાગર મિલન મંડળ નામના બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મોહમ્મદ ફારૂક બાંગ્લાદેશથી સગીર બાળાઓની ગેરકાયદે સરહદ પાર કરાવી તેમને અમદાવાદ સુધી પહોંચાડતો હતો, જ્યારે સાગર મિલન મંડળ પોતાના નિવાસસ્થાને તેમને રાખીને તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો. બંને આરોપીઓ ગેરકાયદે રીતે ભારતમાં રહેતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
આ પણ વાંચો – 33 વર્ષ, ડઝનબંધ રેડ અને ‘ઝીરો’ અસર: અમદાવાદના ‘મનપસંદ’ જુગારધામનું સત્ય, જ્યાં પોલીસ બદલાય છે, પણ ‘ધંધો’ નહીં!
