અમદાવાદ: દરિયાપુરનું ‘મનપસંદ’ જુગારધામ હોય કે રિવરફ્રન્ટ પર ચાલતા દેશી દારૂના અડ્ડા, આ તો વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદાના કારનામાઓનું માત્ર એક નાનું નજરાણું છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ઉપેન્દ્ર રાયજાદાનું આ આખું ‘કાળું સામ્રાજ્ય’ સૌરાષ્ટ્રના એક કુખ્યાત ગુનેગારના આશીર્વાદ અને દબાણ પર ઊભું છે!
જેલમાં બંધ રાજકોટના કુખ્યાત અપરાધીનો ‘બ્લૂ-આઈડ મેન’ રાયજાદા!
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ નજીકનો સૌરાષ્ટ્રનો એક કુખ્યાત ગુનેગાર, જે હાલ જેલમાં બંધ છે, તેની સાથે ઉપેન્દ્ર રાયજાદાના સીધા અને ઘનિષ્ઠ સંબંધો છે. જેલમાં બેઠા આ કુખ્યાત ગુનેગારના નામે ઉપેન્દ્ર રાયજાદા ખાકી વર્દીવાળાઓ પર એવો દબાણ ઊભો કરે છે કે નાનાથી લઈને મોટા અધિકારીઓ સુધીના લોકો પણ વહીવટની જવાબદારી રાયજાદાને સોંપવા મજબૂર બની જાય છે!
સૌરાષ્ટ્રના આ ગેંગસ્ટર સાથેના સંબંધોનો રોફ બતાવી રાયજાદા નાના-મોટા પોલીસ અધિકારીઓ પાસેથી વહીવટ લે છે. બદલામાં અધિકારીઓને માત્ર હિસ્સો જ નહીં, પરંતુ આકા તરફથી ‘પૂરેપૂરું પ્રોટેક્શન’ અપાવવાની ખાતરી પણ આપવામાં આવે છે.
જેલમાં રાયજાદા ‘વીઆઈપી સેવા’ પૂરી પાડે છે?
જેના જોરે રાયજાદા આખી સિસ્ટમને નચાવી રહ્યો હોવાનો આક્ષેપ છે, તે જેલમાં બંધ કુખ્યાત ગુનેગારને જેલની અંદર તમામ પ્રકારની વૈભવી સુવિધાઓ અને સગવડો પૂરી પાડવાની ‘જવાબદારી’ અને વહીવટ પણ ઉપેન્દ્ર રાયજાદા પોતે જ સંભાળે છે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
ઉપેન્દ્ર રાયજાદાનું જાળું હવે માત્ર ‘મનપસંદ’ જુગારધામ પૂરતું સીમિત નથી. કાગડાપીઠ અને રિવરફ્રન્ટ ઈસ્ટ સહિતના વિસ્તારોમાં પણ તેમનો વહીવટ ચાલતો હોવાના આક્ષેપો છે. ઉચ્ચ અધિકારીઓ સુધી પણ રાયજાદાનું નેટવર્કની ચર્ચા છે. જેલમાં બંધ આકાના નામે ખાકી બેડામાં રોફ જમાવી પોતાનો સિક્કો ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ છે.
શું સિસ્ટમ એટલી હદે અસહાય બની ગઈ છે કે જેલમાં બંધ એક ગુનેગારના દબાણથી ઉપેન્દ્ર રાયજાદા જેવા વહીવટદારને આખી સિસ્ટમ સોંપી દેવામાં આવી છે? રાયજાદા અને જેલ કનેક્શનની તપાસ ક્યારે થશે? જો જેલમાંથી ગેંગસ્ટર અને બહારથી રાયજાદાનું આખું નેટવર્ક મળીને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સંગઠિત ગુનાખોરી) ચલાવી રહ્યું હોય, તો ઉપેન્દ્ર રાયજાદા સામે કડક કાર્યવાહી કેમ ન થવી જોઈએ?
રાયજાદા જેવા વહીવટદાર અને જેલમાંથી ઓપરેટ કરતા અપરાધી વચ્ચેની આ સાંઠગાંઠના આક્ષેપોએ સમગ્ર વ્યવસ્થાની આબરૂને ગંભીર સવાલોના ઘેરામાં મૂકી દીધી છે.
આ પણ વાંચો – આફ્રિકા મોકલાતી ગેરકાયદે સાઇકોટ્રોપિક દવાઓના સિન્ડિકેટનો DRIએ પર્દાફાશ, 3 ઝડપાયા, 2 લાખ ટેબ્લેટ જપ્ત
