અમદાવાદ : શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય પોલીસ વડાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા એક હાઇપ્રોફાઇલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી સામે આવતા રાજ્યના પોલીસ વડાએ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને PSI સહિતના અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત ૨જી ઓગસ્ટની રાત્રે SMCની ટીમે દરિયાપુરના મનપસંદ જીમખાના ક્લબમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડાની ખાસિયત એ હતી કે સ્થાનિક પોલીસને તેની ગંધ પણ આવવા દેવામાં આવી ન હતી. આ મેગા રેઇડ દરમિયાન ૧૮૭ જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા અને તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.
પોલીસ બેડામાં ખળભળાટ: જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ
પોતાના જ વિસ્તારમાં આટલા મોટા પાયે જુગારધામ ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી હતી. આ નિષ્ફળતા અને ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી બદલ ઉચ્ચ કક્ષાએથી આકરા પગલાં લેવામાં આવ્યા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી. વી. ગોહિલ, PSI અને સર્વેલન્સ સ્ક્વોડના PSI ને સસ્પેન્ડ કરવાનો કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.
શાહીબાગ PI ને સોંપાયો ચાર્જ
દરિયાપુર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીઓની સસ્પેન્શનની કાર્યવાહી બાદ વહીવટી અને કાયદો-વ્યવસ્થાની કામગીરી ખોરવાય નહીં તે માટે તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પૂરતો દરિયાપુર પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના PI ને વિધિવત રીતે સોંપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો – અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં DEO ની લાલ આંખ: 4 કર્મચારીઓની હકાલપટ્ટી, 10 હજારનો દંડ!
