અમેરિકા : અમેરિકાના અનેક મોટા શહેરોમાં શનિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્ર વિરુદ્ધ વ્યાપક પ્રદર્શનો યોજાયા છે. આ ‘નો કિંગ્સ’ (No Kings) રેલીનો ત્રીજો તબક્કો છે, જેમાં અગાઉ પણ લાખો લોકો જોડાયા હતા.
આયોજકોનું કહેવું છે કે તેઓ ટ્રમ્પની વિવિધ નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આમાં ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ, સંઘીય ઇમિગ્રેશન કાર્યવાહી અને વધતી મોંઘવારી જેવા મુદ્દાઓ સામેલ છે.
અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 3,200થી વધુ સ્થળોએ પ્રદર્શનો યોજવાની યોજના હતી.
આયોજકોએ કહ્યું, “ટ્રમ્પ અમને તાનાશાહની જેમ ચલાવવા માંગે છે. પરંતુ આ અમેરિકા છે. અહીં તાકાત જનતાની છે, કોઈ નકલી રાજા કે તેમના અરબપતિ મિત્રોની નથી.”

વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ આ પ્રદર્શનોને “ટ્રમ્પ ડિરેન્જમેન્ટ થેરાપી સેશન” કહીને ટીકા કરી અને જણાવ્યું કે આ પ્રદર્શનોમાં જે લોકો ભાગ લે છે તેમને પૈસા આપવામાં આવે છે.
શનિવારે આખા દિવસ દરમિયાન અમેરિકાના મોટા શહેરો જેમ કે ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી અને લોસ એન્જલિસમાં પ્રદર્શનો ચાલ્યા. વોશિંગ્ટન ડીસીના ડાઉનટાઉનમાં લોકો માર્ચ કરતા રહ્યા અને લિંકન મેમોરિયલની સીડીઓ પર પણ પ્રદર્શન કર્યું.
ઘણા મોટા ડેમોક્રેટ નેતાઓએ સેન્ટ પોલમાં સ્ટેટ કેપિટલ બિલ્ડિંગની બહાર મંચ પર ભાષણ આપ્યા.
‘નો કિંગ્સ’ પ્રદર્શનોની શરૂઆત
આ પ્રદર્શનોની શરૂઆત ગયા વર્ષે જૂનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના જન્મદિવસે થઈ હતી. તે સમયે અંદાજે 40 થી 60 લાખ લોકોએ 2,100 વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.
આ પ્રદર્શનો ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં વધતા અસંતોષને દર્શાવે છે અને દેશના રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતમાં ટ્રાફિક દંડની વસૂલાત : 17 વર્ષમાં 1400 કરોડથી વધુ દંડ ભર્યો, પરંતુ માર્ગ સુરક્ષા નિધિમાં 16%ની ઘટ
