નવી દિલ્હી: લગભગ 6 લાખ બેરલ ઈરાની કાચા તેલની એક ખેપ લઈને આવતું ટેન્કર ‘પિંગ શુન’ વચ્ચે રસ્તે અચાનક દિશા બદલીને ચીન તરફ વળી ગયું છે. આ ટેન્કર ૪ એપ્રિલે ગુજરાતના વાડીનાર પોર્ટ પહોંચવાનું હતું.
ગ્લોબલ ટ્રેડ ડેટા ફર્મ Kplerના રિફાઈનિંગ અને ઓઈલ માર્કેટ મોડેલિંગ મેનેજર સુમિત રિતોલિયાએ જણાવ્યું કે, “પાછલા ત્રણ દિવસથી વાડીનાર તરફ આવી રહેલું આ ટેન્કર પહોંચતા પહેલાં ભારતને પોતાના ગંતવ્યમાંથી હટાવી દીધું છે અને હવે ચીનના ડોંગયિંગ તરફ સિગ્નલ આપી રહ્યું છે.”
રિતોલિયાએ માર્કેટ સૂત્રોના હવાલે કહ્યું કે આ ફેરફાર પેમેન્ટની શરતોમાં આવેલા બદલાવને કારણે થયો છે. અગાઉ વિક્રેતાઓ 30થી 60 દિવસની ક્રેડિટ આપતા હતા, પરંતુ હવે તેઓ અગાઉથી અથવા તાત્કાલિક પેમેન્ટની માંગ કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, “યાત્રા દરમિયાન ગંતવ્ય બદલવું ઈરાની ક્રૂડ ઓઈલના કિસ્સામાં એકદમ નવી વાત નથી, પરંતુ આ ઘટના દર્શાવે છે કે હવે વેપારી પ્રવાહ વિત્તીય શરતો અને જોખમ પ્રત્યે વધુ સંવેદનશીલ બની ગયો છે.”
આ ખેપ કઈ ભારતીય રિફાઈનરી માટે હતી તે સ્પષ્ટ નથી. વાડીનાર પોર્ટ દ્વારા ઈન્ડિયન ઓઈલ, નાયરા એનર્જી અને ભારત પેટ્રોલિયમ જેવી અનેક કંપનીઓ ક્રૂડ ઓઈલ મેળવે છે.
રિતોલિયાએ કહ્યું કે જો પેમેન્ટ સંબંધિત સમસ્યા હલ થઈ જાય તો આ ખેપ ફરીથી ભારત તરફ વળી શકે છે. આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે ચીન સિવાય અન્ય દેશોમાં ઈરાની ક્રૂડના પ્રવાહને નક્કી કરવામાં લોજિસ્ટિક્સની સાથે વેપારી શરતો પણ સમાન રીતે મહત્ત્વની બની ગઈ છે.
જો આ ટેન્કર આખરે ભારત પહોંચે તો તે 2019 પછી ભારતમાં ઈરાની કાચા તેલની પ્રથમ ખેપ બની શકે છે.
આ પણ વાંચો – NA પ્રક્રિયા ઝડપી બનશે : ગુજરાતમાં ટુકડા ધારામાં ઐતિહાસિક સુધારા
