નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં પોતાના ડેપ્યુટી લીડરનું પદ રાઘવ ચઢ્ઢા પાસેથી લઈને અશોક કુમાર મિત્તલને સોંપી દીધું છે. આ નિર્ણય બાદ રાઘવ ચઢ્ઢાએ જાહેર વીડિયોમાં પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં આપ નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે.
રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં કહ્યું હતું કે તેઓ સંસદમાં સામાન્ય માણસના મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ તેમને બોલવા પર રોક લગાવવામાં આવી છે. તેમણે કહ્યું, “મારી ચૂપ્પીને હાર ન સમજશો, હું એવી નદી છું જે સમય આવે ત્યારે પૂર બની જાય છે.”
આ વીડિયો બાદ આપના અનેક નેતાઓએ એક પછી એક વીડિયો અને પોસ્ટ્સ દ્વારા રાઘવ ચઢ્ઢા પર પલટવાર કર્યો છે. તેમના પર મોદી અને ભાજપથી ડરવાનો, પાર્ટીના મુદ્દાઓ પર ચૂપ રહેવાનો અને અરવિંદ કેજરીવાલની ધરપકડ વખતે લંડનમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આપ નેતાઓના આરોપો
આપ નેતા અનુરાગ ચઢ્ઢાએ કહ્યું, “રાઘવ, તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ડરી ગયા છો. મોદી સામે બોલવાથી ઘબરાઓ છો. દેશના અસલી મુદ્દાઓ પર બોલવાથી ડરો છો.”
આતિશીએ કહ્યું, “રાઘવ ચઢ્ઢા, તમે ભાજપ અને મોદીથી આટલા ડરો છો તો સંસદમાં સવાલ કેમ નથી ઉઠાવતા? કેજરીવાલની ધરપકડ વખતે તમે લંડનમાં હતા.”
સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે રાઘવ ચઢ્ઢા સંસદમાં માત્ર ‘સોફ્ટ પીઆર’ કરે છે અને દેશના મોટા મુદ્દાઓને અવગણે છે.
રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે રાઘવ ચઢ્ઢા ગેસની અછત, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઘોટાળા અને પંજાબમાં પાર્ટીના અધિકારોના મુદ્દા પર ક્યારેય અવાજ ઉઠાવતા નથી.
વિરોધપક્ષોની પ્રતિક્રિયા
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ વડિંગે કહ્યું, “રાઘવ ચઢ્ઢા અને આપ અલગ છે. તેઓ પાર્ટી છોડશે અથવા તેમને બહાર કાઢવામાં આવશે.”ભાજપ સાંસદ રામવીર સિંહ વિધૂરીએ કહ્યું કે જો પાર્ટીએ કોઈ વરિષ્ઠ સાંસદના બોલવા પર પ્રતિબંધ મૂક્યો હોય તો તે લોકતંત્રની હત્યા છે.
રાઘવ ચઢ્ઢા આપના સ્થાપના કાળથી જ પાર્ટી સાથે છે. તેઓ એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી વિશ્વાસુ અને યુવા વ્યૂહરચનાકાર માનવામાં આવતા હતા. 26 વર્ષની ઉંમરે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા હતા અને પછી રાજ્યસભા સુધી પહોંચ્યા હતા.નવા ડેપ્યુટી લીડર અશોક મિત્તલે આ ફેરફારને સામાન્ય અને લોકતાંત્રિક પ્રક્રિયા ગણાવ્યો છે.
