- ચૂંટણી પંચને હાઈકોર્ટની ફટકાર: પશ્ચિમ બંગાળમાં વોટિંગના દિવસે બાઈક ચલાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો
- કોલકાતા હાઈકોર્ટનો મોટો નિર્ણય: ચૂંટણી પંચ સામાન્ય જનતાને બાઈક ચલાવતા રોકી શકે નહીં
- ‘ટ્રબલ મેકર’ લિસ્ટ પર હાઈકોર્ટની રોક: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પંચની મનમાની સામે કોર્ટ લાલચોળ
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોલકાતા હાઈકોર્ટે ચૂંટણી પંચ (ECI) ના બે મહત્વના નિર્ણયો પર રોક લગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ‘ફ્રી એન્ડ ફેર’ ચૂંટણીના નામે સામાન્ય જનતાની રોજિંદી જિંદગી અને આજીવિકા પર અયોગ્ય પ્રતિબંધો લાદી શકાય નહીં.
બાઈક પ્રતિબંધ મામલે કોર્ટનો આદેશ
ચૂંટણી પંચે મતદાનના બે દિવસ પહેલાથી લઈને મતદાનના દિવસ સુધી રાત્રે અને દિવસે બાઈક ચલાવવા પર કડક પ્રતિબંધ મૂક્યો હતો. જસ્ટિસ કૃષ્ણા રાવની બેન્ચે આ આદેશમાં ફેરફાર કરતા જણાવ્યું કે, બાઈક રેલી પર પ્રતિબંધ રહેશે. હિંસા રોકવા માટે બાઈક રેલીઓ પરનો પ્રતિબંધ યોગ્ય છે.
સામાન્ય લોકોને છૂટ : ઓફિસ જનારા લોકો, ડિલિવરી સર્વિસ (ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વિગી) અને શાળાએ જતા બાળકોને આઈડી કાર્ડ બતાવવા પર છૂટ મળશે.
ફેમિલી પિલિયન રાઈડિંગ : મતદાનના દિવસે વોટ આપવા જવા માટે કે મેડિકલ ઈમરજન્સી માટે પરિવારના સભ્યને પાછળ બેસાડીને બાઈક ચલાવવાની મંજૂરી રહેશે.
કોર્ટે ટિપ્પણી કરી કે જ્યારે અર્ધલશ્કરી દળો અને સ્થાનિક પોલીસ તૈનાત હોય, ત્યારે સામાન્ય જનતાને બાઈક વાપરતા રોકવા એ કાયદાકીય રીતે યોગ્ય નથી.
800 લોકોને ‘ટ્રબલ મેકર’ ગણાવવા પર રોક
બીજા એક મહત્વના ચુકાદામાં, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ચૂંટણી પંચના એ આદેશ પર પણ રોક લગાવી દીધી છે જેમાં પંચે 800 જેટલા લોકોને ‘ટ્રબલ મેકર’ (ઉપદ્રવી) જાહેર કર્યા હતા.
આ લિસ્ટમાં સ્થાનિક કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોના નામ પણ સામેલ હતા.
કોર્ટે કહ્યું કે કોઈ પણ નાગરિકને આંખ મીંચીને ‘ટ્રબલ મેકર’ જાહેર કરી શકાય નહીં. તે બંધારણની કલમ 21 અને 22 હેઠળ મળેલી વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.
ચીફ જસ્ટિસ સુજોય પોલ અને જસ્ટિસ પાર્થ સારથી સેનની બેન્ચે આ મેમો પર જૂન 2026 ના અંતિમ દિવસ સુધી રોક લગાવી દીધી છે.
કોર્ટે સાફ કર્યું કે જો કોઈ વ્યક્તિ ગુનો કરે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, પરંતુ માત્ર પૂર્વગ્રહ રાખીને આ રીતે યાદી બહાર પાડીને તેમને હેરાન કરી શકાય નહીં.
આ પણ વાંચો- ભારતની AI નીતિ: AIGEG નું ગઠન એક મહત્વનું પગલું, પણ શું તે રોજગાર સંકટને રોકી શકશે?
