ઈન્દોર : મધ્યપ્રદેશના ઈન્દોરમાં બુધવારે વહેલી સવારે એક રહેણાંકીય બહુમાળી મકાનમાં એવી ભયાનક આગ ફાટી નીકળી કે મિનિટોમાં આખું બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું. ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક થયેલા વિસ્ફોટથી શરૂ થયેલી આ આગે ઝડપથી ફેલાઈને 7 નિર્દોષ જીવો છીનવી લીધા છે. આ હોનારતમાં ગેસ સિલિન્ડરોના ફાટવાથી આગ વિકરાળ બની ગઈ હતી, જેણે લોકોને બહાર નીકળવાની તક જ નહોતી આપી.
આગ કેવી રીતે લાગી?
પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ કાફલાએ જણાવ્યું કે મકાનની બહાર એક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ થઈ રહ્યું હતું. ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થતાં આગ ભભૂકી ઊઠી. આ આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ. પરિસ્થિતિ ત્યારે વધુ ભયાનક બની જ્યારે મકાનની અંદર રાખેલા 10થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટ્યા. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લોકો અંદર જ ફસાઈ ગયા.
આ મકાન મનોજ પુગાલિયા નામના વ્યક્તિનું છે, જેઓ પોલિમરનો વ્યવસાય કરે છે. મકાનમાં જ્વલનશીલ કેમિકલ્સ અને પોલિમરનો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ મિનિટોમાં આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ. આસપાસના લોકોએ પોલીસ-ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ 7 લોકો અંદર જ ફસાઈ ગયા અને તેમના જીવ ગયા હતા.
#UDPATE | As per Delhi Police six people have died in the fire incident. https://t.co/M5sIbrg1hy
— ANI (@ANI) March 18, 2026
બચાવ કામગીરી અને વર્તમાન સ્થિતિ
ઈન્દોર કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે, “આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બે માળ ક્લિયર થઈ ગયા છે અને ત્રીજા માળની તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.” ફાયર ફાઈટરો અને NDRFની ટીમો હજુ કાટમાળમાં તપાસ કરી રહી છે કે કોઈ ફસાયેલું છે કે નહીં. શાંત રહેણાંક વિસ્તાર અત્યારે ચીખ અને આક્રંદથી ગુંજી રહ્યો છે.
આ પણ વાંચો – ક્રાઈમ બ્રાન્ચની ઇન્ટેન્સિવ ડ્રાઇવ : CEIRથી 200થી વધુ મોબાઇલ રિકવર, હાઈ-એન્ડ ગેંગ ઝડપાઇ
