- મણિપુર હિંસા યથાવત : કુકી અને નાગા સમુદાયો વચ્ચે તણાવ યથાવત, ૬ નાગા અને ૧૪ કુકી નાગરિકો હજુ પણ બંધક
નવી દિલ્હી: મણિપુરમાં કુકી અને નાગા સમુદાયો વચ્ચે શરૂ થયેલા બંધક સંકટને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, કુલ ૪૪માંથી ૨૦ લોકો હજુ પણ ગુમ છે. સુરક્ષા અધિકારીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે દરરોજ વાટાઘાટો થવા છતાં હજુ સુધી કોઈ ઠોસ ઉકેલ આવી શક્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગુમ થયેલા લોકોમાંથી ૧૪ કુકી નાગરિકો હાલ નાગા સમુદાયના કબજામાં છે. જ્યારે ૬ નાગા લોકો કાં તો હજુ પણ કુકી સમુદાય પાસે બંધક છે અથવા તેમનો કોઈ જ પત્તો લાગી શક્યો નથી. બંને સમુદાયો એકબીજાના દાવાઓને પાયાવિહોણા ગણાવી રહ્યા છે.
એક સૂત્રએ જણાવ્યું કે, “વાટાઘાટો ચાલુ છે. સતત પ્રયાસો અને અનેક રાઉન્ડની મધ્યસ્થી બાદ બંને સમુદાયોએ કેટલાક લોકોને મુક્ત કર્યા છે, પરંતુ હજુ પણ ૨૦ લોકો બાકી છે.” સંકટનો ઉકેલ લાવવા માટે ચર્ચના નેતાઓ, સમુદાયના પ્રતિનિધિઓ અને સુરક્ષા દળોના અધિકારીઓની દરરોજ બેઠકો યોજાઈ રહી છે. સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ હોવા છતાં, વધુ કોઈ ઘર્ષણ અટકાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
૬ ગુમ થયેલા નાગા નાગરિકોનો વિવાદ
આ છ નાગા નાગરિકોને લઈને ચાલી રહેલો વિવાદ જ હાલના ગતિરોધનું સૌથી મોટું કારણ છે. નાગા સમુદાયના સંગઠન યુનાઈટેડ નાગા કાઉન્સિલ (UNC) નું કહેવું છે કે તેમના ૧૮ લોકોને કુકી સમુદાયે પકડ્યા હતા, જેમાંથી ૧૨ ને છોડી દેવામાં આવ્યા છે. આ મુક્ત થયેલા લોકોમાં ત્રણ દંપતીઓની પત્નીઓ પણ સામેલ હતી, પરંતુ તેમના પતિઓ હજુ પણ ગુમ થયેલા છ લોકોમાં છે.
UNC ની વર્કિંગ કમિટીના સેક્રેટરી એ.સી. થોત્સોએ આશંકા વ્યક્ત કરતા કહ્યું, “અમને ડર છે કે તે છ લોકોની હત્યા કરી દેવામાં આવી છે અને તેમના મૃતદેહ કુકી નેશનલ ફ્રન્ટ પાસે છે.” જોકે, કુકી સમુદાયે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે ૧૫ મેના રોજ ૧૪ નાગાઓને મુક્ત કર્યા પછી તેમની પાસે કોઈ અન્ય વ્યક્તિ વિશે જાણકારી નથી.
થોત્સોએ સ્પષ્ટ કર્યું કે નાગા સ્વયંસેવકોએ ૧૪ કુકી લોકોને ‘કસ્ટડી’માં રાખ્યા છે અને જ્યાં સુધી ગુમ થયેલા ૬ નાગાઓનો પત્તો નહીં લાગે, ત્યાં સુધી તેમને છોડવામાં આવશે નહીં. તેમણે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, પોલીસ માત્ર દેખાડા ખાતર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.
શું છે કુકી પક્ષની રજૂઆત?
કુકી-જો સમુદાયના સંગઠન કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (COTU) ના પ્રવક્તા લુન કિપગેને વળતો પ્રહાર કરતા કહ્યું કે અટકાયતમાં લેવાયેલા ૧૪ કુકી લોકોને સોદાબાજીનું માધ્યમ ન બનાવવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કુકી સમુદાયની સમસ્યાઓ પર સમાન ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. તેમણે અગાઉ તાંગખુલ સમુદાય (નાગા જનજાતિ) દ્વારા કુકી ગામો સળગાવવાની અને કુકી નાગરિકોના ગુમ થવા પાછળની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે નાગા જૂથો વચ્ચેના આંતરિક વિવાદો અને ઉગ્રવાદી સંગઠનો (જેવા કે NSCN-IM) વચ્ચેના તણાવ તરફ પણ ધ્યાન દોર્યું, જેનો દોષ ખોટી રીતે કુકી સમુદાય પર ઢોળવામાં આવી રહ્યો છે.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
આ હાલનું બંધક સંકટ ત્યારે શરૂ થયું જ્યારે થાડો બાપ્ટિસ્ટ એસોસિએશન (TBA) ના ત્રણ કુકી ચર્ચ નેતાઓ અને તેમના ડ્રાઇવરની હત્યા કરી દેવામાં આવી. ચુરાચાંદપુરમાંથી પરત ફરતી વખતે તેમની ગાડી પર હુમલો થયો હતો. આ હુમલાનો આરોપ નાગા ઉગ્રવાદી સંગઠન ઝેલિયાંગરોંગ યુનાઇટેડ ફ્રન્ટ (ZUF) પર લાગ્યો છે, જોકે આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
નોંધનીય છે કે, મણિપુર વર્ષ ૨૦૨૩થી જ ગંભીર જાતીય હિંસાનો સામનો કરી રહ્યું છે. શરૂઆતમાં આ હિંસા મૈતેઈ અને કુકી-જો સમુદાયો વચ્ચે હતી, પરંતુ હવે તેમાં રાજ્યના અન્ય સમુદાયો પણ ખેંચાઈ રહ્યા છે, જેના કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.
આ પણ વાંચો – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી ફરાર પેરોલ જમ્પર અભિનેતાને ઝડપી પાડ્યો
