નવી દિલ્હી : ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધને કારણે વૈશ્વિક તેલ સપ્લાયમાં થયેલા વિક્ષેપો વચ્ચે ભારતમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની અછતનો મુદ્દો હવે સડકથી સંસદ સુધી પહોંચી ગયો છે. દેશના અનેક શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે ઘણા રેસ્ટોરાં અને હોટલોમાં કમર્શિયલ એલપીજીની કમીને કારણે વ્યવસાય બંધ કે મર્યાદિત કરવો પડ્યો છે.
સરકારનો ભરોસો અને નવા નિર્ણયો
કેન્દ્ર સરકારે બુધવારે ઉપભોક્તાઓને અપીલ કરી કે તેઓ ગભરાટમાં વધારાના સિલિન્ડર બુક ન કરે, કારણ કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું કે રિફાઇનરીઓ હાઈ ક્ષમતાએ કામ કરી રહી છે. કેટલીક તો 100%થી વધુ ક્ષમતાએ કામમાં લાગેલી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ATF કે ફ્યુઅલ ઓઈલની કોઈ કમી નથી અને રિટેલ આઉટલેટ્સમાં પૂરતો સ્ટોક છે.
સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ એલપીજી વિતરણમાં ફેરફાર કર્યા છે. ઘરેલુ ઉપયોગ, હોસ્પિટલો અને આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. વ્યાવસાયિક વિતરણને મર્યાદિત કરવામાં આવ્યું છે. રિફાઇનરીઓને ઘરેલુ ઉપભોગ માટે એલપીજી ઉત્પાદન વધારવાના આદેશ આપવામાં આવ્યા છે અને ઘરેલુ સિલિન્ડર રિફિલ માટે 25 દિવસનું અનિવાર્ય અંતર લાગુ કરી દેવામાં આવ્યું છે. ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) સિસ્ટમ લાગુ કરીને હેરાફેરી રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વિપક્ષના આક્ષેપો અને સંસદમાં વિરોધ
વિપક્ષે સરકારના દાવાઓને “ઝૂઠ” ગણાવ્યા છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે ગેસ એજન્સીઓને વ્યાવસાયિક ઉપયોગ માટે સપ્લાય રોકવાના આદેશ આપવામાં આવ્યા છે અને સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસની જેબી મેથરે કહ્યું કે એલપીજી સંકટની અસર હોટલ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રો પર પડી રહી છે, પરંતુ કેન્દ્ર તેનું યોગ્ય મૂલ્યાંકન કરી શક્યું નથી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે દેશ એલપીજીની કમીનો સામનો કરી રહ્યો છે, પરંતુ વડાપ્રધાન લોકસભામાં આ મુદ્દે બોલવા નથી ઈચ્છતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકામાં અદાણી પર આરોપો અને એપ્સ્ટીન ફાઈલ્સને કારણે વડાપ્રધાન મોદી ગભરાટમાં છે. રાહુલે કહ્યું કે તેમને એલપીજી સંકટ પર બોલવાની પરવાનગી આપવામાં આવી નથી. નવી પ્રક્રિયા હેઠળ પહેલા મંત્રી નક્કી કરશે પછી તેઓ બોલશે .

શહેરોમાં લાંબી કતારો અને વ્યવસાય પર અસર
સરકારના ભરોસા છતાં દિલ્હી, બેંગલુરુ, પુણે, મુંબઈ, ભોપાલ, લખનઉ, ગોરખપુર સહિત અનેક શહેરોમાં ઘરેલુ ગેસ માટે લાંબી કતારો જોવા મળી રહી છે. બેંગલુરુમાં એક હોટલે મેન્યૂ ઘટાડીને માત્ર ચા-કોફીની ઉપલબ્ધતા જાહેર કરી છે. પુણેમાં એલપીજી આધારિત શવદાહ ગૃહ બંધ થઈ ગયા છે. ભોપાલમાં રેસ્ટોરાંઓ ઈન્ડક્શનનો આશરો લઈ રહ્યા છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે “રામ રસોઈઓ બંધ થઈ ગઈ છે. આ પહેલી વખત બન્યું છે.”
સરકારની રણનીતિ અને વાસ્તવિકતા
સરકારે કહ્યું કે રિફાઇનરીઓ 100%થી વધુ ક્ષમતાએ કામ કરી રહી છે અને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કોઈ કમી નથી. દિલ્હી સરકારે પણ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં એલપીજી, પેટ્રોલ, ડીઝલ કે PNGની કમી નથી. પરંતુ જમીન પરની હકીકત અલગ છે – લોકો ગભરાટમાં જમાખોરી કરી રહ્યા છે અને ગેસ એજન્સીઓ પર લાંબી કતારો છે.
આ સંકટ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના હુમલાઓ અને ધમકીઓને કારણે વધ્યું છે, જ્યાંથી ભારતનો મોટો ભાગનો તેલ આવે છે. સરકારે સ્પષ્ટ કર્યું કે સ્ટોક પૂરતો છે, પરંતુ વિપક્ષ આને “ઝૂઠ” ગણાવી રહ્યો છે અને સરકાર પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી રહ્યો છે.
ગુજરાતમાં પણ એલપીજી ગેસ અછતનું સંકટ
ગુજરતમાં પણ એલપીજી સંકટ હાલમાં ખૂબ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત મોટા શહેરોમાં ઘરેલુ ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં રિફિલ માટે 15–20 દિવસનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, જ્યારે કેટલીક જગ્યાએ એકેજ દિવસમાં 2–3 દિવસના રિફિલનું બુકિંગ ખતમ થઈ જાય છે. ગ્રાહકોનું કહેવું છે કે ગેસ એજન્સીઓ પાસે સ્ટોક ઓછો છે અને ડિલિવરી બોય પણ ઓછા છે, જેના કારણે ઘણા લોકોને રોજિંદા રસોડા માટે પણ મુશ્કેલી પડી રહી છે.
આ સંકટની અસર ખાસ કરીને નાના રેસ્ટોરાં, ઢાબા, ટી-સ્ટોલ અને લગ્ન-સામાજિક કાર્યક્રમોના કેટરિંગ પર પડી રહી છે. સુરત અને અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કમર્શિયલ સિલિન્ડરની સપ્લાય લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે ઘણા નાના ધંધા માલિકોએ ઈન્ડક્શન અથવા બાયો-ગેસ જેવા વિકલ્પો અપનાવવા માંડ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેસ એજન્સીઓ પાસે રિફિલની રાહ જોવી પડી રહી છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામીણ પરિવારોમાં રોજિંદા રસોડાની મુશ્કેલી વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા વધુ ભાવે તેલ-ગેસની સમસ્યા હોય તો રોજિંદા ખર્ચમાં ખૂબ વધારો થઈ રહ્યો છે.
આ સંકટને કારણે ગુજરાતમાં પણ ઘણા સ્થળોએ લોકો ગેસ એજન્સીઓની બહાર ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મહિલાઓએ એજન્સીઓ સામે ધરણું કર્યું છે અને તાત્કાલિક રિફિલની માંગ કરી છે. રાજકીય પક્ષો પણ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો – ક્રીમી લેયરની નવી વ્યાખ્યા : શું સુપ્રીમ કોર્ટે મંડલના મૂળ દર્શનને ફરી જીવંત બનાવ્યું?
