- થિયેટરાઇઝેશન મોડલની ઝલક : શરૂઆતી તબક્કામાં રૉટેશનલ CDS અને થ્રી-સ્ટાર થિયેટર કમાન્ડર
નવી દિલ્હી: ભારતની સંરક્ષણ પ્રણાલી એક એવા થિયેટરાઇઝેશન મોડલની નજીક પહોંચી રહી છે, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ના પદ માટે ‘રૉટેશન સિસ્ટમ’ (વારાફરતી પદ્ધતિ) લાગુ કરવામાં આવશે. આ નવા માળખામાં સર્વિસ ચીફ (સેનાના વડાઓ) ને મર્યાદિત રીતે ઓપરેશનલ ભૂમિકા આપવામાં આવશે અને થ્રી-સ્ટાર અધિકારીઓને થિયેટર કમાન્ડર બનાવવામાં આવશે, જેમનું મુખ્ય ધ્યાન સંસ્થા નિર્માણ પર રહેશે.
સંરક્ષણ અને સુરક્ષા સાથે જોડાયેલા સ્ત્રોતોએ જણાવ્યું હતું કે, વાઈસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ, જે મુખ્ય ઓપરેશનલ ઓથોરિટી હશે અને જેના હેઠળ થિયેટર કમાન્ડર રિપોર્ટ કરશે, તે શરૂઆતના વર્ષોમાં કોઈ એક જ સર્વિસ (સેનાની પાંખ) પાસે રહી શકે છે.
ભારતીય સેના (Army) આ પદ પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરી રહી છે. સેનાનો તર્ક છે કે ભારતની મુખ્ય સુરક્ષા પડકારો પાકિસ્તાન અને ચીન છે, જે જમીન સાથે જોડાયેલા છે, અને ભારતીય સેના ત્રણેય પાંખોમાં સૌથી મોટી છે.
રૉટેશનલ CDS પદ અને કમાન્ડ માળખું
પ્રસ્તાવિત માળખા અનુસાર, CDS નું પદ આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે વારાફરતી ફરતું રહેશે. અત્યાર સુધી બંને CDS આર્મીમાંથી રહ્યા છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં રૉટેશનનો સિદ્ધાંત અપનાવવામાં આવશે, ભલે તે કોઈ કડક ક્રમમાં ન હોય.
એક મોટા ફેરફાર હેઠળ, પ્રથમ તબક્કામાં થિયેટર કમાન્ડર ફોર-સ્ટારને બદલે થ્રી-સ્ટાર અધિકારી હશે. તેમનું તાત્કાલિક કામ ઓપરેશનલ કંટ્રોલ લેવાનું નહીં હોય, પરંતુ એક એવી વ્યવસ્થા ઊભી કરવાનું હશે જેમાં પ્રોટોકોલ, કમાન્ડ ચેઈન અને સંગઠનાત્મક માળખું તૈયાર કરી શકાય જેથી ત્રણેય સેનાઓ મળીને કામ કરી શકે.
આ સમયગાળા દરમિયાન, હાલના સિંગલ-સર્વિસ કમાન્ડ સીધા થિયેટર કમાન્ડરને રિપોર્ટ કરશે નહીં. પરંતુ તેઓ પોતાની ઓપરેશનલ અને વહીવટી કામગીરીની જાણકારી તેમને આપતા રહેશે, જેથી ધીમે-ધીમે ફેરફાર થઈ શકે અને વર્તમાન વ્યવસ્થા પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.
થિયેટર કમાન્ડનું વિભાજન
દરેક થિયેટર હેડક્વાર્ટરમાં ત્રણેય સેનાઓનું મિશ્રણ હશે. ડેપ્યુટી થિયેટર કમાન્ડર અથવા ચીફ ઓફ સ્ટાફ બીજી સર્વિસના હશે, જે કમાન્ડર કરતા અલગ હશે. તેમના પદનામ અને જવાબદારીઓ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે.
અગાઉના અહેવાલો મુજબ, થિયેટર કમાન્ડનું વિભાજન નીચે મુજબ રહેશે.
પશ્ચિમી થિયેટર (જયપુર): જે પાકિસ્તાન પર કેન્દ્રિત હશે, તેની કમાન એરફોર્સના અધિકારી સંભાળશે.
ઉત્તરી થિયેટર (લખનૌ): જે ચીન પર કેન્દ્રિત હશે, તેની કમાન આર્મીના અધિકારી સંભાળશે.
મેરીટાઇમ થિયેટર કમાન્ડ (તિરુવનંતપુરમ): જે દરિયાઈ સુરક્ષા જોશે, તેની કમાન નેવીના અધિકારી પાસે રહેશે.
નિમણૂક અને સંસાધનોની વહેંચણી
આ નિમણૂકો એકસાથે નહીં પણ ધીરે ધીરે કરવામાં આવશે અને સામાન્ય પોસ્ટિંગની સાથે જ થશે, જેથી કોઈ મોટો ફેરફાર એકસાથે કરવો ન પડે. પ્રથમ તબક્કામાં ધ્યાન વહીવટી વ્યવસ્થા પર રહેશે.
થિયેટરાઇઝેશનનો પ્રસ્તાવ અગાઉ એ વાત પર અટકેલો હતો કે મર્યાદિત હવાઈ સંસાધનોની (Air Resources) વહેંચણી કેવી રીતે કરવી. પરંતુ હવે ત્રણેય થિયેટર વચ્ચે આ સંસાધનોની વહેંચણી પર સહમતી બની ગઈ છે. એર હેડક્વાર્ટર વ્યૂહાત્મક હવાઈ સંસાધનો જેમ કે રિફ્યુલર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ અને સ્પેસ એસેટ્સને નિયંત્રિત કરશે.
સંકેત એવા પણ છે કે પહેલાની યોજનાથી વિપરીત, સર્વિસ ચીફ્સને પણ અમુક અંશે ઓપરેશનલ ભૂમિકા આપવામાં આવશે, ભલે તે મર્યાદિત હોય. અગાઉ એવી યોજના હતી કે તેમની ભૂમિકા માત્ર સેના તૈયાર કરવા અને તાલીમ આપવા પૂરતી જ સીમિત રહેશે.
આ પણ વાંચો – ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: ૨૬,૧૯૬ બેઠકો પર મતગણતરી શરૂ, ભાજપે અમદાવાદ-વડોદરામાં વિજયી શ્રીગણેશ કર્યા
