- બંગાળમાં સત્તા પરિવર્તનની ઐતિહાસિક ક્ષણ, શપથ સમારોહમાં હિંસાના પીડિત પરિવારોની હાજરી બનશે સૌથી ભાવુક પ્રતિક (ફોટો- AI)
અભિષેક પાંડેય, કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હવે એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. વર્ષોથી ચાલતા રાજકીય અથડામણ, વિચારધારાત્મક સંઘર્ષ અને સંગઠિત હિંસાના આરોપોની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત રાજ્યની સત્તા સંભાળવા જઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણને માત્ર સત્તા પરિવર્તન પૂરતું મર્યાદિત ન રાખતા, પાર્ટીએ તેને ભાવનાત્મક અને પ્રતીકાત્મક પરિમાણ આપવાનો પ્રયાસ કર્યો છે.
આવતીકાલે યોજાનારા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહને વિશેષ બનાવતા ભાજપે એવા પરિવારોને આમંત્રિત કર્યા છે, જેમણે છેલ્લા વર્ષોમાં રાજકીય હિંસામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આશરે 250થી વધુ એવા પરિવારો, જેઓના સભ્યો ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને હિંસાનો ભોગ બન્યા હતા, તેમને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પરિવારો માટે સમારોહ સ્થળે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે.
બંગાળ લાંબા સમયથી રાજકીય હિંસાને લઈને ચર્ચામાં રહ્યું છે. અલગ અલગ સમયમાં સત્તા પરિવર્તન સાથે હિંસાના આરોપો લાગતા રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ અને તેના સંગઠનોના કાર્યકરો સામે થયેલી ઘટનાઓએ રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. આવા સમયમાં શપથ સમારોહમાં પીડિત પરિવારોને આમંત્રિત કરવું માત્ર રાજકીય નિર્ણય નહીં, પરંતુ આ સંઘર્ષમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
ભાજપ માટે આ જીત માત્ર ચૂંટણી વિજય નથી, પરંતુ વિચારધારા અને સંગઠનના વિસ્તરણનું પણ પ્રતિક છે. પૂર્વી ભારતમાં પોતાની પકડ મજબૂત કરવાની રણનીતિ અંતર્ગત પાર્ટીએ બંગાળમાં લાંબો સંઘર્ષ કર્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં પ્રથમ વખત સરકાર રચના અને તેના શપથ સમારોહમાં સંઘર્ષના પીડિતોને સ્થાન આપવું, પાર્ટીના રાજકીય સંદેશને વધુ ગાઢ બનાવે છે.
શપથ ગ્રહણ સમારોહમાં દેશભરના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, વરિષ્ઠ નેતાઓ અને હજારો કાર્યકરો હાજર રહેવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગુજરાતમાંથી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા કોલકાતા પહોંચશે. આ ઉપરાંત અનેક રાજ્યોના ટોચના નેતાઓ અને સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમમાં એક તરફ સત્તા પરિવર્તનનો ઉત્સાહ રહેશે, તો બીજી તરફ આ પરિવારોની હાજરી સમારોહને ગંભીર અને ભાવુક પરિમાણ આપશે. બંગાળની રાજનીતિમાં આ ક્ષણ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે તે માત્ર સરકાર રચનાનો પ્રસંગ નથી, પરંતુ લાંબા સંઘર્ષ, વિવાદ અને હિંસાના ઇતિહાસ વચ્ચે નવા યુગની શરૂઆતનો સંકેત છે.
આ પણ વાંચો – તમિલનાડુ: રાજ્યપાલે કહ્યું- વિજયની TVK બહુમતી સાબિત કરે, આવા સંજોગોમાં રાજભવન શું કરી શકે અને શું નહીં
