- ડિજિટલ ન્યાય પ્રણાલી તરફ કદમ: વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા પોલીસ અને ન્યાયતંત્ર માટે આશીર્વાદરૂપ, DGPનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ
ન્યાયતંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સામાન્ય નાગરિકો, સાક્ષીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કિંમતી સમય બચાવવા તથા ઇંધણની મોટી બચત કરવાના આશયથી કોર્ટમાં જુબાની આપવા માટે વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર (Formal Witness Deposition Centre)ની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત આજે રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે પોતે આ આધુનિક ટેક્નોલોજીનો લાભ લઈ સમાજ અને પોલીસ વિભાગ સમક્ષ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ વર્ષ ૨૦૨૧ના એક એસીબી (ACB)ના કેસમાં પ્રોસિક્યુશન મંજૂરી આપવાના અનુસંધાને આજે મહત્વની જુબાની આપવા માટે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેસની સુનાવણી કચ્છ-ગાંધીધામની કોર્ટમાં ચાલી રહી હોવાથી, DGPશ્રીએ ગાંધીનગરથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા કચ્છની કોર્ટમાં હાજર થઈને પોતાની જુબાની નોંધાવી હતી. ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાને બદલે ટેક્નોલોજીના માધ્યમથી ગણતરીના સમયમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
આ સુવિધાને કારણે દૂર-દૂરની કોર્ટોમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળતા કલાકોનો સમય બચે છે અને સરકારી તેમજ વ્યક્તિગત ઇંધણની મોટી બચત થાય છે. સાક્ષીઓ કે અધિકારીઓની ભૌગોલિક ગેરહાજરીને કારણે કેસમાં તારીખો પડતી નથી, જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ લાંબી મુસાફરી કરવાને બદલે કાયદો અને વ્યવસ્થાની પોતાની મૂળભૂત ફરજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ ઉપરાંત વિવિધ જેલોમાં બંધ કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવા-લઈ જવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે, જેનાથી પોલીસ જાપ્તાનો ખર્ચ ઘટે છે અને સુરક્ષાના જોખમો નિવારી શકાય છે.
રાજ્યના પોલીસ વડાએ પોતે આ સુવિધાનો ઉપયોગ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટેક્નોલોજીનો સ્વીકાર એ આજના સમયની માંગ છે. સમય, શક્તિ અને રાષ્ટ્રીય સંપત્તિ સમાન ઇંધણની બચત કરતી આ ઉત્તમ ડિજિટલ સુવિધાનો રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો મહત્તમ ઉપયોગ કરે તેવો અનુરોધ ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત એક્સક્લૂસિવ ઈમ્પેક્ટ: ક્રાઇમ બ્રાંચની રેડ બાદ મુંગડાનું જુગારધામ બંધ
