manpasand
અમદાવાદ : દરિયાપુરના ચર્ચિત ‘મનપસંદ જીમખાના’ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના દરોડા બાદ નવા અને સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસ માત્ર જુગાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તેના તાર દેશવિરોધી પ્રવૃત્તિઓ અને હવાલા નેટવર્ક સાથે જોડાયેલા હોવાની આશંકાએ સમગ્ર તપાસનો ધમધમાટ વધારી દીધો છે.
ઉચ્ચ અધિકારીઓના અનુસાર, આ જુગારધામમાંથી એકત્ર થતા કરોડો રૂપિયાના ફંડનો ઉપયોગ નાર્કોટિક્સ (ડ્રગ્સ) કે અન્ય દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થયો હોવાની પ્રબળ શક્યતા છે. તેથી આર્થિક હેરફેરની કડીઓ મેળવવા માટે SMC આ મની ટ્રેઇલ સાથે જોડાયેલી આંગડિયા પેઢીઓની પણ તપાસ કરશે. જરૂર પડશે તો તેમને કેસમાં સહ-આરોપી પણ બનાવી શકે છે.
જ્યારે તપાસનો દાયરો ડ્રગ્સ, આંગડિયા અને દેશવિરોધી કનેક્શન સુધી પહોંચી રહ્યો હોય, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલું મોટું સામ્રાજ્ય આખરે કોના રક્ષણ હેઠળ ફૂલીફાલી રહ્યું હતું?
સ્થાનિક પોલીસ અને એજન્સીઓના આકાઓની છત્રછાયા વગર 33 વર્ષથી આ અડ્ડો ચાલવો અશક્ય છે. તો પછી આ કાળા કારોબારને રક્ષણ આપનારા ‘વહીવટદારો’ સામે પણ કાર્યવાહી થશે?
સૂત્રોના અનુસાર, જેમના ઈશારે આ જુગારધામ અત્યારે ચાલી રહ્યું હતું, તે બે નામો હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. શહેર કક્ષાએ અને ઉપરી સ્તરેથી આ જુગારધામને કાયદાકીય કવચ અને ‘પ્રોટેક્શન’ પૂરું પાડવામાં વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદાની ભૂમિકા સૌથી શંકાસ્પદ માનવામાં આવે છે.
લાંબા સમયથી સેટિંગ અને વહીવટના નામે ખાકી અને દરિયાપુર વચ્ચે પુલનું કામ કરનાર ઉપેન્દ્રસિંહ રાયજાદા સામે કાર્યવાહી થશે? જેમના માટે રાયજાદા આ ક્લબમાંથી ઉઘરાણી કરતો હતો, તે “આકા” કોણ છે?
એજન્સી તરફથી આ અડ્ડાને લીલી ઝંડી આપવા અને કાર્યવાહી રોકવા માટે ‘વહીવટદાર’ કલ્યાણસિંહનું પ્રોટેક્શન પણ એટલું જ મજબૂત રહ્યું છે.
શહેર અને ઉપરી સ્તરેથી પ્રોટેક્શન આપનારા વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદાને પૂછપરછ માટે બોલાવવામાં આવશે? શું તેમને પણ આ દેશવિરોધી અને આર્થિક ગુનાના કેસમાં સહ-આરોપી બનાવવામાં આવશે?
જો જુગારની કમાણીનો ઉપયોગ નાર્કોટિક્સ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થતો હતો, તો રાયજાદા અને કલ્યાણસિંહ જેવા વહીવટદારો માત્ર લાંચ લેવા પૂરતા સીમિત નહોતા. તેઓ અજાણતા કે જાણીજોઈને દેશવિરોધી તાકાતોના ભાગીદાર બની રહ્યા હતા? તો પછી તેમના પર તે મુજબ કાર્યવાહી થશે?
ક્લબના જાણકારોના જણાવ્યા મુજબ, જો SMC ખરેખર આ અડ્ડાનું મૂળિયામાંથી નિકંદન કાઢવા માંગતી હોય, તો ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ જેવા વહીવટદારોનો કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) કાઢે, તેમજ તેમના ડિજિટલ ફૂટપ્રિન્ટનું મેપિંગ કરે, તો ઘણું બધું જાણવા મળી શકે છે.
આ પણ વાંચો – ચંડોળા હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, બે આરોપીઓને 20 અને 14 વર્ષની સખત કેદ
