તમિલનાડુમાં થલપતિ વિજયની સરકાર બન્યાને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં જ તેને ઉથલાવી પાડવાનું કાવતરું શરૂ થઈ ગયું છે? રાજ્યની ગુપ્તચર એજન્સીએ આ કથિત કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. અહેવાલોમાં સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે સરકારને પાડી દેવા માટે એકસાથે અનેક ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
આ દરમિયાન, ટીવીકે (TVK) ના ઉથંગરઈના ધારાસભ્ય એન. ઈલૈયારાજાએ પોલીસમાં એક સનસનીખેજ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે IPDS નામની એક કન્સલ્ટન્સી ફર્મનો એક વ્યક્તિ તેમને મળ્યો હતો અને 35 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. બદલામાં તેમને વિધાનસભા સ્પીકર જેસીડી પ્રભાકર અને ટીવીકે સરકાર વિરુદ્ધ લાવવામાં આવનાર અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાનું હતું. ધારાસભ્યએ એમ પણ જણાવ્યું કે, બાદમાં તેમને ધમકી પણ આપવામાં આવી હતી કે આ ઓફરની વાત કોઈને ન કરે.
3 લોકોની ધરપકડ, સેંથિલ બાલાજી સાથે લિંક!
ટીવીકે ધારાસભ્યની ફરિયાદના આધારે અધિકારીઓએ તપાસ શરૂ કરી અને એક કન્સલ્ટન્સી ફર્મના કર્મચારીની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન અધિકારીઓને ડીએમકે (DMK) નેતા અને ધારાસભ્ય સેંથિલ બાલાજી સાથે જોડાયેલી લિંક્સ મળી આવી છે. ત્યારબાદ વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પહેલી ધરપકડ ચેન્નઈથી થઈ હતી, જ્યારે બાકીના બે લોકોને કરુરથી પકડવામાં આવ્યા છે. અહેવાલો છે કે પકડાયેલા લોકોમાંથી એકનો ડીએમકે નેતા એસ. સેંથિલ બાલાજી અને તેમના ભાઈ અશોક સાથે નજીકનો સંબંધ છે. પોલીસ અધિકારીઓ આ કથિત ષડયંત્ર અને તેના વિશાળ નેટવર્કની તપાસ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ષડયંત્રમાં 15 ટીવીકે ધારાસભ્યો પાસે એકસાથે રાજીનામું અપાવીને સરકારને બહુમતી સાબિત કરતા અટકાવવાની યોજના હતી. જોકે, ચેન્નઈ પોલીસ અને ગુપ્તચર વિભાગે ફરિયાદ મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
ટીવીકે મંત્રીનો ડીએમકે પર પ્રહાર
આ સમગ્ર મામલે તમિલનાડુના મંત્રી સીટી નિર્મલ કુમારે ડીએમકે પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, “સેંથિલ બાલાજી સાથે જોડાયેલા લોકો અને ‘કરુર ગેંગ’ આ કાવતરામાં સામેલ છે. પોલીસે તમામને તાત્કાલિક જેલ ભેગા કરવા જોઈએ.”
મંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે ડીએમકે, એઆઈએડીએમકે (AIADMK) ના નેતા કે. પલાનીસ્વામી સાથે મળીને સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે, “ઘણા ટીવીકે ધારાસભ્યોને 10 કરોડ, 20 કરોડ કે 50 કરોડ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી છે. મુખ્યમંત્રી સ્ટાલિન અને ઉદયનિધિના ઈશારે સેંથિલ બાલાજી અમારા ઘણા ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા હતા.”
ડીએમકેનો વળતો પ્રહાર: ‘ટીવીકે વાર્તા ઘડી રહી છે’
બીજી તરફ ડીએમકેએ આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે. પાર્ટીના પ્રવક્તા એ. સરવનને કહ્યું કે, ‘ટીવીકે તપાસની વિગતો લીક કરીને માત્ર એક કાલ્પનિક વાર્તા ઘડવા માંગે છે. તેમની પાસે કોઈ જ નક્કર પુરાવા નથી, તેઓ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે.’ સરવનને પડકાર ફેંક્યો કે જો ટીવીકે સરકાર પાસે સેંથિલ બાલાજી વિરુદ્ધ પુરાવા હોય તો તેમની ધરપકડ કરીને બતાવે.
વિજય અને બાલાજી વચ્ચેનો જૂનો વિવાદ
નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય અને સેંથિલ બાલાજી વચ્ચે પહેલેથી જ તણાવ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કરુરમાં વિજયની એક વિશાળ રેલીમાં નાસભાગ મચી ગઈ હતી. તે સમયે વિજયે બાલાજી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે જાણીજોઈને આ નાસભાગ કરાવી હતી. જોકે, બાલાજીએ ત્યારે આ આરોપોને નકારી કાઢ્યા હતા.
હાલમાં પોલીસ ધરપકડ કરાયેલા ત્રણેય વ્યક્તિઓની કડક પૂછપરછ કરી રહી છે. ટીવીકે સરકારે આ મામલાને ગંભીર ગણાવીને આખા ષડયંત્રનો પર્દાફાશ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ તમિલનાડુના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. વિરોધ પક્ષો તેને રાજકીય કાવતરું ગણાવી રહ્યા છે, જ્યારે સત્તાધારી ટીવીકે તેને લોકશાહી પરનો મોટો હુમલો માની રહી છે.
આ પણ વાંચો – અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક: રથયાત્રા પહેલાં સરકારે લીધો મોટો નિર્ણય
