અભિષેક પાંડેય, અમદાવાદ : કેન્દ્રની એક મહત્વપૂર્ણ એજન્સી સાથે જોડાયેલા સિનિયર IPS અધિકારીને લગતું એક મહત્વપૂર્ણ પદ જોધપુરથી અમદાવાદ ખસેડવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ બદલાવ પછી, તે અધિકારી હાલ અમદાવાદમાં કાર્યરત હોવાનું સૂત્રો સૂચવે છે. નોંધનીય છે કે આ અધિકારી 2029 સુધી કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર છે, પરંતુ આ તાજેતરના ફેરફારને કારણે તેઓ પરોક્ષ રીતે ફરી હોમ કેડર ગુજરાતમાં આવ્યા છે.
આ સિનિયર IPS અધિકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સૌથી વિશ્વસનીય અધિકારીઓમાં ગણવામાં આવે છે. બ્યુરોક્રેટિક વર્તુળોમાં તેમને એવા અધિકારી તરીકે જોવામાં આવે છે કે જેમના પર કેન્દ્રની ટોચની નેતાગીરી આંખકાન બંધ કરીને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી શકે છે.
આ ચેર શિફ્ટને માત્ર એક રૂટિન એડમિનિસ્ટ્રેટિવ ડેવલપમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું નથી. રાજ્યના બ્યુરોક્રેટિક વર્તુળોમાં તેને એક મહત્વપૂર્ણ રાજકીય અથવા રાષ્ટ્રીય ડેવલપમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે આ અધિકારીને કેન્દ્ર સરકારના સૌથી વિશ્વસનીય અને મહત્વપૂર્ણ અધિકારીઓમાં ગણવામાં આવે છે.
રાજકીય રીતે જોતા, ગુજરાત હાલ બહારથી સ્થિર દેખાય છે, પરંતુ આંતરિક સ્તરે કેટલાક સંકેતો અસ્થિરતાની દિશામાં ઈશારો કરે છે. આવા સંજોગોમાં આ મહત્વપૂર્ણ અધિકારીને ગુજરાતમાં લાવવાનો નિર્ણય સામાન્ય નથી માનવામાં આવતો.
જ્યારે અધિકારીઓના એક વિશેષ વર્ગના મતે આ ચેર શિફ્ટ પાછળ ગુજરાતનું ભૌગોલિક સ્થાન, લાંબી દરિયાઈ સીમા, ડ્રગ્સ ટ્રાન્સફર માટે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ તરીકે તેનો ઉપયોગ અને સરહદી સંવેદનશીલ વિસ્તારો જેવા પરિબળો મહત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં આ પ્રકારનું પદ પરિવર્તન માત્ર એડમિનિસ્ટ્રેટિવ નહીં પરંતુ વ્યૂહાત્મક પગલું પણ હોઈ શકે છે.
સૂત્રો અનુસાર, આ ફેરફાર પાછળ ઘરઆંગણે રાજકીય ગતિવિધિઓથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાતા પરિબળો સુધીના કારણો જવાબદાર હોઈ શકે છે.
આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લેતા, આવનારા સમયમાં ગુજરાતમાં બ્યુરોક્રેટિક અને સુરક્ષા સંબંધિત ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા નકારી શકાય નહીં.
