અમદાવાદ/અરવલ્લી : સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 8 મેના રોજ શામળાજી તાલુકાના કર્ચા ગામ પાસે જબચીતરિયા થી શામળાજી રોડ પર ચાલતી રેડ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો, બે લક્ઝરી વાહનો અને અન્ય સામાન મળી કુલ ₹76.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, રેડ દરમિયાન 7,442 IMFL બોટલ અને ટીન કબ્જે લેવામાં આવ્યા છે, જેમની કિંમત અંદાજે ₹26.19 લાખ થાય છે. સાથે જ એક ઇનોવા અને એક ફોર્ચ્યુનર કાર જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત ₹50 લાખથી વધુ દર્શાવવામાં આવી રહી છે. ઉપરાંત બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ કેસમાં એક આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉદાજી ઠાકોરને પકડી પાડીને શામળાજી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તે ફોર્ચ્યુનર કારનો ડ્રાઇવર હોવાનું સામે આવ્યું છે. જ્યારે કુલ સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વોન્ટેડ આરોપીઓમાં શ્રવણ ઉર્ફે બલિયો ઠાકોર, રમેશ ઠાકોર અને ભાનો સહિતના નામો સામેલ છે, જેમને IMFLના રિસીવર અને વાહનચાલક તરીકે ઓળખવામાં આવ્યા છે. ઉપરાંત હરુંન જબ્બારભાઈ શેખ પાયલોટિંગમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે, જ્યારે રાજસ્થાનના ડૂંગરપુર જિલ્લાના ભુપેન્દ્રસિંહ બાપુને સપ્લાયર તરીકે ઓળખવામાં આવ્યો છે. બંને વાહનોના માલિકોને પણ શોધવામાં આવી રહ્યા છે.
સૂત્રો મુજબ, પકડાયેલા અને ફરાર આરોપીઓ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં કાર્યરત બુટલેગર નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. આ નેટવર્ક લાંબા સમયથી ગુજરાતમાં વિદેશી દારૂના સપ્લાયમાં સક્રિય હોવાની શંકા છે.
આ સમગ્ર રેડ PSI સી.કે. સિસોદિયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો – ભારતીય રાજનીતિમાં ‘વોટ બેંક’ના વળતા પાણી : શું મુસ્લિમ મતો હવે સેક્યુલર પક્ષોના હાથમાંથી સરકી રહ્યા છે?
