Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • મનપસંદ પર SMCના દરોડા બાદ PCBની ચાંદખેડામાં જુગારધામ સામે કાર્યવાહી, સવાલ એ જ: જુગાર, હુક્કા અને દારૂના ‘સ્ટેન્ડ’ને સંરક્ષણ આપનાર સુધી ખાકી ક્યારે પહોંચશે?

મનપસંદ પર SMCના દરોડા બાદ PCBની ચાંદખેડામાં જુગારધામ સામે કાર્યવાહી, સવાલ એ જ: જુગાર, હુક્કા અને દારૂના ‘સ્ટેન્ડ’ને સંરક્ષણ આપનાર સુધી ખાકી ક્યારે પહોંચશે?

gujaratex@gmail.com August 9, 2026
manpasand

manpasand

અભિષેક પાંડેય, અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે જુગારધામ સામે પોલીસની કાર્યવાહી ફરી એકવાર સામે આવી છે. ચાંદખેડાના ખોડિયારનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ કમિશનરની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, PCBની ટીમે દરોડો પાડી મુખ્ય સંચાલક સહિત સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન વાહનો મળી કુલ ₹5.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે PCBની ટીમે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડિયારનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનના પ્રથમ માળે આવેલા રૂમમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સંચાલક તરીકે ઝડપાયેલા વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ઝાલા અંગે સામે આવ્યું છે કે તે પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. જુગાર રમવા આવનાર વ્યક્તિ પાસેથી ₹500 એન્ટ્રી ફી લેવામાં આવતી હોવાનો અને જુગારમાં જીતેલી રકમમાંથી 10 ટકા કમિશન મેળવવામાં આવતું હોવાનો પોલીસનો દાવો છે.

Join Our WhatsApp Group

દરોડા દરમિયાન પોલીસે ₹2,67,300 રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત આઠ મોબાઇલ ફોન, અંદાજિત કિંમત ₹1 લાખ, તથા ત્રણ ટૂ-વ્હીલર, અંદાજિત કિંમત ₹2 લાખ, મળી કુલ ₹5,64,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ કેસમાં વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ઝાલા, મિતુલ ઉર્ફે મોન્ટુ, પ્રશાંત ઉર્ફે પિન્ટુ, મયુર ઉર્ફે ચકો ગોહિલ, મનીષકુમાર દલવાડી, ધીરજ જેઠાલાલ રોય અને હિતેશ દુર્ગેશભાઈ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે.

પરંતુ ચાંદખેડાના આ દરોડાની કહાની માત્ર સાત જુગારીઓની ધરપકડ સુધી સીમિત રહે તેવી સ્થિતિ નથી. કારણ કે અમદાવાદમાં એજન્સી રેડ અને કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક સમયથી એક મોટો સવાલ સતત ઉભો થઈ રહ્યો છે.

મનપસંદ પર SMC ત્રાટક્યું, તો PCBની કામગીરી પર પણ સવાલ

થોડા સમય પહેલાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચર્ચામાં રહેલા ‘મનપસંદ જીમખાના’ પર સ્ટેટ મોનિટરિંગ સેલ, SMCએ દરોડો પાડ્યો હતો. PCBના નાક નીચે ચાલતા આ જુગારધામમાં SMCની કાર્યવાહી દરમિયાન લગભગ પોણા બે સો જેટલા જુગારીઓ ઝડપાયા હોવાની ઘટના બાદ અમદાવાદના પોલીસ તંત્રમાં જુગારધામોને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.

મનપસંદની કાર્યવાહીનો સૌથી મોટો સવાલ એ હતો કે જો એક જ સ્થળે મોડી રાત સુધી આટલી મોટી સંખ્યામાં લોકો લાંબા સમયથી જુગાર રમતા હોય, તો સ્થાનિક પોલીસ અને સંબંધિત ગુનાશાખાની નજરથી આ સમગ્ર પ્રવૃત્તિ કેવી રીતે બચી રહી હતી?

દરોડા બાદ જુગાર રમનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ. પરંતુ ગેરકાયદે જુગારના વ્યવસાયને કથિત રીતે લાંબા સમય સુધી ચાલવા દેવામાં આવ્યો હોય તો તેની પાછળની વ્યવસ્થા, સંરક્ષણ અને વહીવટના સ્તરે પણ તપાસ થવી જરૂરી છે.

કાર્યવાહી જુગારીઓ સુધી જ કેમ?

મનપસંદની કાર્યવાહી બાદ જાહેર ચર્ચામાં ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ જેવા નામો સાથે કથિત ‘વહીવટ’ અને સંરક્ષણ અંગે પણ સવાલો ઉઠ્યા હતા. સૌથી મોટો સવાલ એ છે કે આવી ચર્ચાઓ બાદ સંરક્ષણ આપનાર અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓનું વહીવટ કરનાર કોઈ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઈ કે નહીં?

માત્ર જુગાર રમતા લોકોને પકડીને કેસ કરી દેવામાં આવે અને જે તંત્ર અથવા વ્યક્તિઓના સંરક્ષણથી ગેરકાયદે ધંધો ચાલતો હોવાના આક્ષેપો થાય છે, તેમની ભૂમિકા સુધી તપાસ ન પહોંચે તો આવી કાર્યવાહી કેટલા સમય સુધી અસરકારક રહેશે?

આજે જુગાર, થોડા દિવસ પહેલાં હુક્કા બાર, પણ દારૂના સ્ટેન્ડ હજુ ખુલ્લા?

ચાંદખેડા વિસ્તારમાં થોડા સમય પહેલાં SMCએ અનેક હુક્કા બાર સામે કાર્યવાહી કરી હતી. હવે જુગારધામ સામે PCBની કાર્યવાહી સામે આવી છે. એટલે સ્પષ્ટ છે કે જ્યારે ઉચ્ચ કક્ષાની એજન્સી અથવા શહેરની બહારની ટીમ ચોક્કસ બાતમીના આધારે મેદાનમાં ઉતરે છે ત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી શક્ય બને છે.

પરંતુ સવાલ એ છે કે જુગારધામ, હુક્કા બાર, દારૂના ખુલ્લા ‘સ્ટેન્ડ’ અને બુટલેગરો સામે સ્થાનિક સ્તરે એવી જ કાર્યવાહી કેમ જોવા મળતી નથી?

અમદાવાદના અનેક વિસ્તારોમાં દારૂ, જુગાર અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક સ્તરે માહિતી પહોંચતી હોવાના દાવા થાય છે. કેટલાક સ્થળોએ તો દારૂના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલતા હોવાની ફરિયાદો પણ સમયાંતરે સામે આવે છે. જો આ પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક પોલીસ સુધી માહિતી પહોંચતી હોય અને છતાં તે લાંબા સમય સુધી ચાલુ રહેતી હોય, તો માત્ર બુટલેગર સુધી કાર્યવાહી કેમ સીમિત રહે છે?

‘વહીવટ’ની તપાસ વગર દરોડા માત્ર ફોટોગ્રાફ બની જશે

જુગાર હોય, હુક્કા બાર હોય કે દારૂનો ગેરકાયદે ધંધો. દરેક ગેરકાયદે વ્યવસાય માટે માત્ર ગ્રાહક અને સંચાલક જ જવાબદાર હોય એવું નથી. જો પોલીસ તંત્રની અંદરથી કોઈ વ્યક્તિ, વચેટિયો કે કહેવાતો ‘વહીવટદાર’ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિને કથિત રીતે સંરક્ષણ આપતો હોય, તો તેની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં આવવી જોઈએ.

કારણ કે વહીવટદાર સામે કાર્યવાહી નહીં થાય તો ધંધો બંધ થતો નથી. માત્ર તેનું સરનામું બદલાય છે.

આજે ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન, કાલે કોઈ ફ્લેટ કે ફાર્મહાઉસ. આજે એક સંચાલક, કાલે બીજો ચહેરો. આજે જુગારનું નામ, કાલે હુક્કા બાર કે દારૂનું સ્ટેન્ડ. પરંતુ પાછળની વ્યવસ્થા જો એ જ રહે, તો દરોડાની સંખ્યા વધે, કેસોની સંખ્યા વધે, ધરપકડોની સંખ્યા વધે, છતાં ગેરકાયદે ધંધો બંધ થતો નથી.

નામ બદલાય, સ્થળ બદલાય, ચહેરા બદલાય, ‘વહીવટ’ એ જ રહે તો શું બદલાશે?

ચાંદખેડાની હાલની કાર્યવાહી પોલીસની દૃષ્ટિએ ચોક્કસપણે નોંધપાત્ર છે. પરંતુ આ કાર્યવાહીનું સાચું પરિણામ ત્યારે જ માનવામાં આવશે જ્યારે પોલીસ તપાસ માત્ર સાત લોકોની ધરપકડ અને ₹5.64 લાખના મુદ્દામાલ સુધી સીમિત ન રહે.

જુગારધામ કોના સંરક્ષણમાં ચલાવવામાં આવતું હતું? ગ્રાહકોને કોણ લાવતું હતું? આ વ્યવસાયની માહિતી સ્થાનિક પોલીસને હતી? અગાઉથી આ પ્રવૃત્તિ અંગે કોઈ ફરિયાદ કે બાતમી હતી કે નહીં? આ પ્રશ્નોના જવાબો વિના દરોડો એક ઘટના બનીને રહી જશે.

અમદાવાદમાં મનપસંદ હોય કે ચાંદખેડાનું જુગારધામ, હુક્કા બાર હોય કે દારૂના સ્ટેન્ડ. જો પોલીસ ખરેખર ગેરકાયદે નેટવર્કની કમર તોડવા માગતી હોય, તો કાર્યવાહી ‘રમનાર’ અને ‘ચાલવનાર’થી એક પગલું આગળ જઈને ‘ચાલવા દેનાર’ સુધી પહોંચવી પડશે.

નામ બદલાય, સ્થળ બદલાય, સંચાલક બદલાય, પરંતુ જો સંરક્ષણની વ્યવસ્થા યથાવત્ રહે, તો ગેરકાયદે ધંધો ક્યારેય બંધ થવાનો નથી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મનપસંદ માત્ર ઝાંખી! ઉપેન્દ્ર રાયજાદાએ બુટલેગરોના હવાલે કર્યું અમદાવાદનું ગૌરવ
Next: ભાગ-1 જુવાની પહેલાં જુલમ: સુરતમાં મરાઠાની હત્યા માત્ર ગેંગવોર નથી, ‘રંગબાજી’ની નવી પેઢીનો લોહિયાળ ચહેરો

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.