અબુ ધાબી / નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના પોતાના મહત્વપૂર્ણ પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ ખાડી દેશ યુએઈ (UAE) પહોંચ્યા છે. અબુ ધાબી એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મિહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું હતું. વિશેષ સન્માનના ભાગરૂપે પીએમ મોદીના વિમાનને યુએઈના સૈન્ય ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું.
દ્વિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, ભારત આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંભવિત સહયોગ આપવા તૈયાર છે. વડાપ્રધાને યુએઈ પર થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને મુશ્કેલ સમયમાં યુએઈના સંયમની પ્રશંસા કરીને ભારતની એકજુથતા જાહેર કરી હતી.
૧. વ્યૂહાત્મક સંરક્ષણ કરાર (Strategic Defense Partnership)
આ પ્રવાસની સૌથી મોટી સિદ્ધિ બંને દેશો વચ્ચેનો વ્યૂહાત્મક સંરક્ષણ કરાર છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કરાર હેઠળ ભારત અને યુએઈ એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીનું સંયુક્ત સંશોધન અને સહ-ઉત્પાદન (Co-production) કરશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે ગુપ્ત માહિતીની આપ-લે (Intelligence Sharing), ત્રાસવાદ વિરોધી અભિયાન, સંયુક્ત સૈન્ય અભ્યાસ, મેરિટાઇમ સિક્યોરિટી અને સાયબર ડિફેન્સ ક્ષેત્રે સહકારને વધુ મજબૂત કરવામાં આવશે.
પીએમ મોદીએ વૈશ્વિક ઉર્જા અને અન્ન સુરક્ષા માટે હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની ખાડી) માંથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના સુરક્ષિત રહે તે અંગે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. મિડલ ઈસ્ટના નિષ્ણાતોના મતે, ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે યુએઈને ભારતનો આ મોટો વ્યૂહાત્મક ટેકો છે.
૨. ભારતની ઉર્જા સુરક્ષા માટે મોટો માસ્ટરસ્ટ્રોક (તેલ અને ગેસ કરાર)
ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે યુએઈ સાથે મળીને વ્યુહાત્મક પેટ્રોલિયમ ભંડાર (Strategic Petroleum Reserve) વધારવા જઈ રહ્યું છે. યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે આ કરારની મહત્વની કડીઓ સમજાવી હતી:
ઓઈલ સ્ટોરેજમાં મોટો વધારો: ભારતની અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ક્ષમતાને ૫.૫ મિલિયન બેરલથી વધારીને ૩૦ મિલિયન બેરલ સુધી લઈ જવાની યોજના છે, જેના માટે ઓડિશાના ચંડીખોલ સહિત નવા સ્થળોની ઓળખ કરાઈ રહી છે.
વિદેશમાં સ્ટોરેજ: યુએઈના ફુજૈરાહ સ્થિત ભંડારમાં પણ ભારત પોતાની પેટ્રોલિયમ સંગ્રહ ક્ષમતા વિકસાવશે.
પ્રથમ વખત ગેસ સંગ્રહ: ઇતિહાસમાં પહેલીવાર માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં, પરંતુ ગેસ એટલે કે LNG અને LPG માટે પણ નવું વ્યુહાત્મક સ્ટોરેજ બનાવવામાં આવશે.
LPG ની સુરક્ષિત સપ્લાય: ઇન્ડિયન ઓઇલ (IOCL) અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) વચ્ચે લાંબાગાળાના કરાર થયા છે. ભારત પોતાની ઘરેલું જરૂરિયાતના ૪૦% એલપીજી યુએઈથી આયાત કરે છે, આ કરારથી વૈશ્વિક બજારમાં ભાવોના ઉતાર-ચડાવ વચ્ચે પણ ભારતીય ગ્રાહકોને રાહત રહેશે.
ગુજરાતને ફાયદો: આ સાથે જ ગુજરાતના વાડિનારમાં ‘શિપ રિપેર ક્લસ્ટર’ બનાવવા માટે પણ એક મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
૩. ૫ અબજ ડોલર (આશરે ₹૪૧,૫૦૦ કરોડ) નું તોતિંગ રોકાણ
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુએઈની અગ્રણી સંસ્થાઓ દ્વારા ભારતના વિકાસ કાર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૫ અબજ યુએસ ડોલરના રોકાણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે નીચે મુજબ વહેંચાશે.
એમિરેટ્સ NBD: ભારતીય બેંક RBL માં ૩ અબજ ડોલર નું રોકાણ કરશે.
અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA): ભારતના નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) સાથે મળીને પાયાના પ્રોજેક્ટ્સમાં ૧ અબજ ડોલર નું રોકાણ કરશે.
ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની: ભારતની ‘સમ્માન કેપિટલ’માં ૧ અબજ ડોલર નું રોકાણ કરશે.
યાદ રહે કે ભારત અને યુએઈ વચ્ચે વાર્ષિક ૧૦૦ અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે અને ગલ્ફ દેશોમાં યુએઈ ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, બંને નેતાઓ વચ્ચેની આ ઐતિહાસિક વાર્તાલાપ મુખ્યત્વે ઉર્જા, વ્યાપાર, બ્લુ ઈકોનોમી, ફિનટેક, સંરક્ષણ અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત રહી હતી.
આ પણ વાંચો – અભિવ્યક્તિની આઝાદી પર સંકટ? અદાલતો ટીકાને લોકતાંત્રિક જરૂરિયાત ગણે, પ્રદૂષણ નહીં
