ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં એક અભૂતપૂર્વ વળાંક આવ્યો છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMK (અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ) માં મોટું ભંગાણ પડ્યું છે. પૂર્વ કાયદા મંત્રી સી.વી. ષણમુગમના નેતૃત્વમાં ૩૦ ધારાસભ્યોએ બળવો કરીને મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની ‘ટીવીકે’ (TVK) સરકારને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.
પલાણીસ્વામી પર ગંભીર આક્ષેપો
મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સી.વી. ષણમુગમ અને એસ.પી. વેલુમણીએ એડપ્પાદી કે. પલાણીસ્વામી (EPS) પર આકરા પ્રહારો કર્યા હતા. ષણમુગમે આક્ષેપ કર્યો કે, “પલાણીસ્વામીએ સત્તાની લાલચમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાથે ગુપ્ત ગઠબંધન કરીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. AIADMKની સ્થાપના જ DMKના વિરોધ માટે થઈ હતી, ત્યારે તેમની સાથે જવું એ પક્ષના અસ્તિત્વને ખતમ કરવા જેવું છે.”
બળવાખોર જૂથે સ્પષ્ટ કર્યું કે જનતાએ વિજય અને તેમની પાર્ટીને જનાદેશ આપ્યો છે, તેથી તેઓ જનતાના વિશ્વાસ સાથે રમત કરવા માંગતા નથી. આ જૂથે હવે એસ.પી. વેલુમણીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે.
AIADMK માં પકડ નબળી પડી
સૂત્રોના જણાવ્યા અનુસાર, AIADMK ના કુલ ૪૭ ધારાસભ્યોમાંથી ૩૦ ધારાસભ્યો હવે ષણમુગમ-વેલુમણી જૂથ સાથે છે. આ ઘટનાક્રમ તમિલનાડુના રાજકારણમાં પલાણીસ્વામી માટે મોટો ફટકો માનવામાં આવે છે. બળવાખોર ધારાસભ્યોએ જણાવ્યું કે પક્ષની સતત થઈ રહેલી હાર (૨૦૨૧, ૨૦૨૪ અને ૨૦૨૬) અંગે મંથન જરૂરી છે, પરંતુ નેતાગીરી માત્ર પોતાની મહત્વાકાંક્ષા સંતોષવામાં વ્યસ્ત છે.
મુખ્યમંત્રી વિજયનો વધુ એક મોટો નિર્ણય: રાજ્યમાં ૭૧૭ દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ
રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે જનતાને આપેલું વધુ એક વચન પૂરું કર્યું છે. તેમણે રાજ્યભરમાં ફેલાયેલી ૭૦૦થી વધુ દારૂની દુકાનોને તાળાબંધી કરવાનો આદેશ આપ્યો છે.
કઈ દુકાનો બંધ થશે?
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેશનોથી ૫૦૦ મીટરના દાયરામાં આવતી તમામ દુકાનો બે અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે.
આ યાદી નીચે પ્રમાણે છે
૨૭૬ દુકાનો ધાર્મિક સ્થળો પાસેની
૧૮૬ દુકાનો શાળાઓ/કોલેજો પાસેની
૨૫૫ દુકાનો બસ સ્ટેન્ડ પાસેની
હાલમાં તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા ૪,૭૬૫ દુકાનો ચલાવવામાં આવે છે, જેમાંથી આ ૭૧૭ દુકાનો કાયમી ધોરણે બંધ થઈ જશે. વિજયના આ નિર્ણયને મહિલા સંગઠનો અને સામાજિક કાર્યકરો દ્વારા વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
આ પણ વાંચો – શપથ લેતા જ સંઘર્ષ: મફત વીજળી અને સોનાની ભેટ જેવા વાયદાઓ વિજય માટે ગળાનું હાડકું બનશે?
