- સાયક્લોથોન અને કાર્યક્રમો વચ્ચે સળગતો સવાલ- પેડલરો પકડાય છે, તો મોટા માથાઓ કેમ બચી જાય છે? વાંચો ગુજરાત એક્સક્લૂસિવની મેગા ઇન્વેસ્ટિગેશન સિરીઝ
26 જૂને સમગ્ર વિશ્વમાં International Day Against Drug Abuse and Illicit Trafficking ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ આ અવસરે ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે Anti Narcotics Task Force (ANTF) દ્વારા આયોજિત સાયક્લોથોનને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જી. એસ. મલિકે ફ્લેગ ઓફ કરાવ્યો. કાર્યક્રમમાં પોલીસ વિભાગના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે ડીજીપી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે નશા સામેની લડત માત્ર કાયદાની નહીં, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. યુવાનોને નશાથી દૂર રાખવા અને સ્વસ્થ જીવન તરફ દોરી જવા માટે આવા અભિયાન જરૂરી છે. તેમનો આ સંદેશ ચોક્કસપણે મહત્વનો છે, કારણ કે આજે ગુજરાત પણ એવા રાજ્યોમાં સામેલ થઈ રહ્યું છે જ્યાં ડ્રગ્સનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. રાજ્ય સરકારે પણ ડ્રગ્સ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવાનો દાવો કર્યો છે. ડીજીપી જી. એસ. મલિકના કાર્યકાળમાં Anti Narcotics Task Forceને સક્રિય બનાવવામાં આવી છે અને સમગ્ર પોલીસ તંત્રને યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સતત ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી કરવાની વાત કરતા રહ્યા છે. તેમ છતાં સૌથી મોટો પ્રશ્ન આજે પણ યથાવત છે. જો સતત કાર્યવાહી થઈ રહી છે, તો પછી ડ્રગ્સનો કારોબાર કેમ નથી અટકતો? દિવસેને દિવસે તેનું જાળું વધુ મજબૂત કેમ બની રહ્યું છે?
ગુજરાત એક્સક્લૂસિવે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના નેટવર્ક અંગે સતત તપાસ હાથ ધરી છે. તાજેતરમાં અમારી એક રિપોર્ટમાં અમદાવાદમાં એક સગીર બાળકનું કથિત રીતે MD ડ્રગ્સના સેવનથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ માત્ર એક ઘટના નથી, પરંતુ એ ભયાનક હકીકતનો સંકેત છે કે હવે નશો માત્ર ગુનેગારો પૂરતો સીમિત રહ્યો નથી. તે યુવાનો અને કિશોરો સુધી પહોંચી ગયો છે અને તેમનું ભવિષ્ય બરબાદ કરી રહ્યો છે.
લગભગ દરરોજ કોઈને કોઈ ડ્રગ્સ પેડલરની ધરપકડ થાય છે. MD ડ્રગ્સ, ચરસ, ગાંજો, કોકેન, હેરોઇન, કફ સિરપ, પ્રતિબંધિત દવાઓનો ગેરકાયદે ઉપયોગ અને વિવિધ પ્રકારના સિન્થેટિક ડ્રગ્સનું નેટવર્ક સતત બહાર આવી રહ્યું છે. છતાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આટલી ધરપકડો થઈ રહી છે ત્યારે સપ્લાય ચેઇન કેમ નથી તૂટી રહી? નવા પેડલર ક્યાંથી આવી રહ્યા છે? તેમની પાછળ કોણ છે? શું માત્ર નાના સપ્લાયરો જ પકડાઈ રહ્યા છે અને મોટા નેટવર્ક હજુ પણ સુરક્ષિત છે?
ડ્રગ્સનો કારોબાર માત્ર ગુનાહિત પ્રવૃત્તિ નથી, પરંતુ એક સુવ્યવસ્થિત આર્થિક તંત્ર છે. તેમાં સપ્લાયર, ટ્રાન્સપોર્ટર, સ્થાનિક પેડલર, ફાઇનાન્સર, હવાલા નેટવર્ક અને ડિજિટલ પેમેન્ટ દ્વારા થતા નાણાકીય વ્યવહારો સુધીની આખી સાંકળ કાર્યરત હોય છે. સોશિયલ મીડિયા, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ, હોમ ડિલિવરી અને નાના-નાના નેટવર્કના માધ્યમથી આ કારોબાર સતત પોતાની કાર્યપદ્ધતિ બદલતો રહે છે.
સૌથી ગંભીર પ્રશ્ન એ પણ છે કે પોલીસની કાર્યવાહી છતાં આ નેટવર્ક કઈ નબળાઈનો લાભ લઈ રહ્યું છે? શું ગુપ્તચર માહિતી એકત્ર કરવાની વ્યવસ્થામાં ક્યાંક ખામી છે? શું સ્થાનિક સ્તરે દેખરેખ પૂરતી નથી? શું સમાજ અને પરિવાર સમયસર જોખમને ઓળખી શકતા નથી? કે પછી નશાની વધતી માંગે સપ્લાયને વધુ મજબૂત બનાવી દીધો છે?
આ તમામ પ્રશ્નોના જવાબ માત્ર પ્રેસનોટ કે પ્રતીકાત્મક કાર્યક્રમોથી મળવાના નથી. તેના માટે મેદાન સ્તરે ઊંડી તપાસ, સતત પોલીસ કાર્યવાહી, ઝડપી ન્યાયિક પ્રક્રિયા, સામાજિક જાગૃતિ, માતા-પિતાની જવાબદારી અને યુવાનો વચ્ચે અસરકારક નશામુક્તિ અભિયાન, આ તમામ બાબતોને સમાન મહત્વ આપવાની જરૂર છે.
સગીર બાળકના મોતની ઘટના બાદ ગુજરાત એક્સક્લૂસિવે ડ્રગ્સ નેટવર્કના વિવિધ પાસાઓ પર વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં અમારી વિશેષ તપાસ શ્રેણીમાં અમે વિગતવાર રજૂ કરીશું.
* અમદાવાદમાં સૌથી વધુ કયા પ્રકારના ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે.
* ડ્રગ્સની સપ્લાય કયા રાજ્યો અને કયા માર્ગો દ્વારા ગુજરાત સુધી પહોંચે છે.
* શહેરના કયા વિસ્તારોમાં ડ્રગ્સનું નેટવર્ક સૌથી વધુ સક્રિય છે.
* પેડલર કઈ રીતે યુવાનો તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને નિશાન બનાવે છે.
* ડ્રગ્સ સિન્ડિકેટનું આર્થિક મોડેલ શું છે.
* ગુનેગારો પોતાની Modus Operandi કેવી રીતે સતત બદલતા રહે છે.
* પોલીસ અને તપાસ એજન્સીઓ સામે વાસ્તવિક પડકારો કયા છે.
* અને સૌથી મહત્વનું આ સમગ્ર નેટવર્કને અસરકારક રીતે તોડી પાડવા માટે કયા સુધારાઓ જરૂરી છે.
26 જૂન માત્ર પ્રતીકાત્મક દિવસ બનીને ન રહી જાય. જો આ દિવસે આપવામાં આવતો ‘નશામુક્ત સમાજ’નો સંદેશ વર્ષના બાકીના 364 દિવસ પણ એટલી જ ગંભીરતા સાથે અમલમાં મૂકવામાં આવે, તો જ આવા અભિયાનનો સાચો હેતુ સિદ્ધ થશે. કારણ કે ડ્રગ્સ સામેની આ લડાઈ માત્ર પોલીસની નથી, પરંતુ સમગ્ર સમાજ અને આવનારી પેઢીના ભવિષ્યની લડાઈ છે.
અભિષેક પાંડેય
સંપાદક, ગુજરાત એક્સક્લૂસિવ
આ પણ વાંચો – અમદાવાદમાં ડ્રગ્સનો ભોગ બન્યો 16 વર્ષીય બાળક, નવયુવાનોને પેડલર બનાવી રહ્યા છે ડ્રગ્સ ગુનેગારો
