- અધિકારીઓની ખેંચતાણ, ભ્રષ્ટાચાર અને રાજકીય દબાણે ગુજરાતના ડિજિટલ પ્રોજેક્ટને સંકટમાં ધકેલ્યો
- ₹5631 કરોડની કેન્દ્રિય ફાળવણી, 9 મહિના સુધી ટેન્ડર લટકાવ્યા બાદ સ્ક્રેપનો નિર્ણય, વિભાગમાં ગંભીર આરોપો છતાં કાર્યવાહી નહીં
અભિષેક પાંડેય : ગુજરાતમાં લગભગ ₹6000 કરોડના ભારતનેટ ફેઝ-3 પ્રોજેક્ટને લઈને ઊભી થયેલી પરિસ્થિતિ હવે માત્ર એક ટેન્ડર વિવાદ રહી નથી. પ્રધાનમંત્રી Narendra Modiના ડિજિટલ ઇન્ડિયા વિઝન હેઠળ ગામડાઓ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાનું આ મહત્વાકાંક્ષી આયોજન અમલના તબક્કે જ અટકી ગયું છે.
નવ મહિના સુધી ટેન્ડર પ્રક્રિયાને લટકાવી રાખ્યા બાદ તેને સ્ક્રેપ કરવાની દિશામાં લેવાયેલા નિર્ણયો પ્રશાસનિક કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વિભાગમાં ટોચના અધિકારીઓની અચાનક બદલીઓ, મહત્વના પદો લાંબા સમય સુધી ખાલી રહેવા, ટેન્ડરોને ઇરાદાપૂર્વક અટકાવવામાં આવ્યા હોવાના દાવાઓ અને સંજય પ્રજાપતિ, કલ્પેશ પટેલ તથા શિવાંગી રાજપૂત જેવા અધિકારીઓ સામે થયેલી દસ્તાવેજી ફરિયાદો છતાં કાર્યવાહી ન થવી સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરે છે. સાથે જ રાજકીય લોબીંગ, ટેન્ડર રદ કરીને ફરી બહાર પાડવાની ચર્ચાઓ, લીઝિંગથી મળનારી આવક પર પડતી અસર અને કરોડોની EMD અટવાઈ જવાથી આ સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બની ગયું છે.
પ્રોજેક્ટનો વિઝન અને ગુજરાત માટેનું મહત્વ
પ્રધાનમંત્રી Narendra Modiના ડિજિટલ ઇન્ડિયા વિઝન હેઠળ ભારતનેટ પ્રોજેક્ટને દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ દેશના અંતિમ ગામ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાનો છે જેથી આરોગ્ય, શિક્ષણ, મહેસુલ, શહેરી સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચી શકે.
ગુજરાતમાં ભારતનેટના ફેઝ-1 અને ફેઝ-2નું કામ પૂર્ણ થયા બાદ ફેઝ-3 માટે 14 જૂન 2025ના રોજ BSNL અને રાજ્ય સરકાર વચ્ચે MoU કરવામાં આવ્યું હતું. આ MoU બાદ કેન્દ્ર સરકારે ગુજરાત માટે ₹5631 કરોડની ફાળવણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા થનારા વધારાના ખર્ચને ઉમેરતા આ પ્રોજેક્ટનું કુલ મૂલ્ય લગભગ ₹6000 કરોડ સુધી પહોંચે છે.
આ પ્રોજેક્ટ અમલમાં આવે તો રાજ્યના લાખો નાગરિકોને સીધો લાભ થવાનો હતો. ગામડાઓમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધે, સરકારી પ્રક્રિયાઓ સરળ બને અને પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓને પણ લીઝિંગ માધ્યમથી સેવાઓ આપવા માટે એક મજબૂત પ્લેટફોર્મ મળે તેવી અપેક્ષા હતી.
પરંતુ આટલી મોટી ફાળવણી અને સ્પષ્ટ વિઝન હોવા છતાં પ્રોજેક્ટ અમલના પ્રારંભિક તબક્કામાં જ ગંભીર પ્રશાસનિક ગૂંચવણમાં ફસાઈ ગયો.

ટેન્ડર પ્રક્રિયા: વિલંબથી સ્ક્રેપ સુધીનો સફર
ભારતનેટ ફેઝ-3 અંતર્ગત ગુજરાતમાં ચાર મુખ્ય ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરો પ્રોજેક્ટના વિવિધ ટેક્નિકલ અને અમલીકરણ સંબંધિત પાસાઓને આવરી લેતા હતા.
ત્રણ ટેન્ડરો છેલ્લા આઠ મહિના સુધી ‘અન્ડર ઇવેલ્યુએશન’ તરીકે અટકાવવામાં આવ્યા હતા. તેમાં પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટિંગ એજન્સી માટેનો મુખ્ય RFP, ટેલિકોમ શેલ્ટર માટેનો RFP અને સ્ટેટ નેટવર્ક ઓપરેશન સેન્ટર માટેનો RFPનો સમાવેશ થાય છે. ચોથો ટેન્ડર, જે અંદાજે ₹200 કરોડનો હતો, તે બે વર્ષ પહેલા ટેક્નિકલી ક્લિયર થઈ ગયો હતો. આ ટેન્ડરમાં L1 તરીકે GTPL, L2 તરીકે Ishan અને L3 તરીકે RailTel હતી. છતાં આ ટેન્ડર આજે સુધી અવોર્ડ કરવામાં આવ્યો નથી.
આ ચારેય ટેન્ડરોને મળીને જોવામાં આવે તો એક સ્પષ્ટ પેટર્ન સામે આવે છે. ટેન્ડરોને સમયસર પૂર્ણ કરવાની જગ્યાએ તેમને લાંબા સમય સુધી અટકાવી રાખવામાં આવ્યા. નિર્ણય લેવાયો નહીં અને અંતે તેમને સ્ક્રેપ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સૂત્રો મુજબ આ ટેન્ડરોને લગભગ નવ મહિના સુધી ઇરાદાપૂર્વક લટકાવવામાં આવ્યા હતા. ફાઇલ મૂવમેન્ટથી લઈને ટેક્નિકલ મૂલ્યાંકન સુધીના દરેક તબક્કે વિલંબ સર્જાયો. અંતે 30 માર્ચ 2026ની બેઠકમાં તેમને સ્ક્રેપ કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવ્યો.
આ બેઠક પહેલાં 29 માર્ચે દિલ્હી ખાતે સચિવ પી. ભારતી અને ચેરમેન શ્યામલ મિશ્રા વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં ટેન્ડર રદ કરવાની દિશામાં સહમતી બન્યાનો દાવો છે. આ સમગ્ર પ્રક્રિયામાં સત્તાવાર મિનિટ્સ જાહેર કરવામાં આવી નથી, જેના કારણે નિર્ણય પ્રક્રિયાની પારદર્શિતા અંગે વધુ પ્રશ્નો ઊભા થયા છે.
અધિકારીઓની બદલી અને આંતરિક ખેંચતાણનો પ્રભાવ
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં થયેલા પ્રશાસનિક ફેરફારોને આ સમગ્ર વિવાદનું કેન્દ્ર માનવામાં આવે છે. 4 ઓગસ્ટ 2025ના રોજ વિભાગની પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારની રાતોરાત બદલી કરવામાં આવી હતી. આ બદલી અચાનક અને અસામાન્ય રીતે કરવામાં આવી હોવાની ચર્ચા છે.
સાથે જ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડના ડિરેક્ટર સંજય ગાડેન પાસેથી રાજીનામું લઈ લેવાયું હતું. આ કાર્યવાહી એક નનામી અરજીના આધારે કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. સંજય ગાડેનને હટાવ્યા બાદ આ પદ માટે તરત જ જાહેરાત કરવામાં આવી હતી. આ માટે બે ડઝનથી વધુ અરજીઓ મળવા છતાં આઠ મહિના બાદ પણ કોઈ નિયુક્તિ કરવામાં આવી નથી.

આ દરમિયાન મંત્રીમંડળમાં ફેરફારો થયા અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની જવાબદારી અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia)ને સોંપવામાં આવી. વિભાગમાં સચિવ તરીકે પી. ભારતીને જવાબદારી આપવામાં આવી. સંજય ગાડેનની કેટલીક જવાબદારીઓ જુનિયર અધિકારી કલ્પેશ પટેલને સોંપવામાં આવી.
આ બદલીઓ બાદ વિભાગમાં આંતરિક સમન્વય તૂટી ગયો હોવાની ચર્ચા છે. સૂત્રો મુજબ મોના ખંધારની બદલી બાદ વિભાગમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. અધિકારીઓ ફાઈલો પર નિર્ણય લેતા ટાળતા હતા. વિભાગના જાણકારોનું માનવું છે કે શક્તિશાળી લોબી સામે ઊભા રહેવાનો જોખમ કોઈ લેવા તૈયાર નહોતું. કેટલાક જાણકારોનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા અટકવાનું એક કારણ ‘હિતોના સંતુલન’ પર સહમતી ન થવી પણ હોઈ શકે છે.
ભ્રષ્ટાચારના ગંભીર આરોપો અને દસ્તાવેજી ફરિયાદો
વિભાગના કેટલાક અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે વિગતવાર ફરિયાદો પ્રધાનમંત્રી ગ્રિવન્સ પોર્ટલ, મુખ્યમંત્રી કાર્યાલય અને મુખ્ય સચિવ કાર્યાલય સુધી પહોંચાડવામાં આવી છે. આ ફરિયાદોમાં સંજય પ્રજાપતિ (ICT), કલ્પેશ પટેલ (General Manager Commercial તથા Head Director T&I) અને શિવાંગી રાજપૂત (DGM HR) સહિતના અધિકારીઓના નામ ઉલ્લેખિત છે.
ફરિયાદોમાં સંજય પ્રજાપતિ પર વેન્ડરો પાસેથી પૈસા લઈને બિલ પાસ કરવાના, ટેક્નિકલ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને બિડ મૂલ્યાંકનને પ્રભાવિત કરવાના અને અયોગ્ય સંપત્તિ એકત્રિત કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કલ્પેશ પટેલ સામે ડાર્ક ફાઈબરના ગેરકાયદેસર ઉપયોગ, કમિશનખોરી અને vendor-based ગેરરીતિઓના આરોપો છે.
શિવાંગી રાજપૂત સામે ભરતી અને આઉટસોર્સિંગ પ્રક્રિયામાં ગેરરીતિઓ તથા કમિશન લેવાના આક્ષેપો છે. આ તમામ આરોપો સાથે સંબંધિત દસ્તાવેજો ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી. મંત્રી સ્તરે પણ તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી હોવાનો દાવો છે, પરંતુ ફાઈલો આગળ વધતી નથી.
રાજકીય દબાણ અને લોબીંગના આક્ષેપો
પ્રોજેક્ટમાં રાજકીય પરિબળોની પણ ચર્ચા ચાલી રહી છે. સૂત્રો મુજબ ટેન્ડર પ્રક્રિયામાં બે જુદા જૂથો સક્રિય હતા. એક જૂથ ટેન્ડર પ્રક્રિયા આગળ વધે તે માટે પ્રયત્નશીલ હતું, જ્યારે બીજું જૂથ ટેન્ડરને રદ કરીને ફરીથી બહાર પાડવા માંગતું હતું. ચર્ચાઓ મુજબ ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવે તો ચોક્કસ કંપનીઓને ફાયદો મળી શકે તેવી સ્થિતિ ઊભી થાય.
આ સંદર્ભમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાઈડુ ( N. Chandrababu Naidu)ના સંબંધીની એક કંપનીના હિતોની ચર્ચા થઈ રહી છે. સુરતના એક વ્યક્તિ દ્વારા એક ટોચના અધિકારીને મળીને ટેન્ડર રદ કરવા માટે દબાણ અને લાલચ આપવાના પ્રયાસ થયા હોવાનો દાવો કરવામાં આવે છે.
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમ છતાં પ્રોજેક્ટ આગળ વધ્યો નથી.
આર્થિક અસર, લીઝિંગ આવક અને EMDનો પ્રશ્ન
આ પ્રોજેક્ટથી સરકારને સીધી આવક થવાની સંભાવના પણ હતી. ખાનગી ટેલિકોમ કંપનીઓ આંતરિયાળ વિસ્તારોમાં પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરતી નથી. તેઓ સરકારના ફાઈબર નેટવર્કને લીઝ પર લઈને સેવા આપે છે અને તેના બદલામાં સરકારને ભાડું ચૂકવે છે.
ફેઝ-3 અંતર્ગત આવી કંપનીઓએ લીઝિંગ માટે રસ દર્શાવ્યો હતો. પરંતુ ટેન્ડર પ્રક્રિયા અટકતાં આ આવકનો સ્ત્રોત પણ બંધ થઈ ગયો છે. સાથે જ ટેન્ડરમાં ભાગ લેનારી કંપનીઓએ કરોડો રૂપિયાની EMD તરીકે રકમ જમા કરાવી છે. હવે ટેન્ડર સ્ક્રેપ થવાની સ્થિતિમાં આ રકમ ક્યારે પરત મળશે તેની કોઈ સ્પષ્ટતા નથી. આ પરિસ્થિતિએ પ્રોજેક્ટમાં ભાગ લેનાર કંપનીઓમાં પણ અનિશ્ચિતતા ઊભી કરી છે.
આગળ અનિશ્ચિતતા અને વધતો ખર્ચ
ટેન્ડર સ્ક્રેપ થયા બાદ આગળ શું થશે તેની સ્થિતિ અસ્પષ્ટ છે. જાણકારો મુજબ હવે બે વિકલ્પો સામે છે. એક તો કેન્દ્ર સરકાર સીધો પ્રોજેક્ટ હાથ ધરે અથવા GFGNL દ્વારા ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવે. પરંતુ બંને પરિસ્થિતિમાં પ્રોજેક્ટ હવે વધુ મોંઘો બનવાની શક્યતા છે. ડોલર-રૂપિયા વિનિમય દર અને મોંઘવારીને ધ્યાનમાં લેતા પ્રોજેક્ટનો ખર્ચ 20 થી 40 ટકા સુધી વધી શકે છે.
