- ઉદ્યોગ ભવનના અધિકારીની કાળી કમાણી: મુખ્ય વિદ્યુત નિરીક્ષકના ઘરેથી 88 લાખનું સોનું-ચાંદી અને કારમાંથી રોકડ મળી
- ગાંધીનગરમાં ACB નો મોટો એક્શન: મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત સાથે ઝડપાયા
- ભ્રષ્ટાચારનો પર્દાફાશ: શનિવારે કારમાંથી 5.51 લાખ રોકડા મળ્યા, ઘરે દરોડા પડતા 2.65 કરોડનો ખજાનો ખૂલ્યો
ગાંધીનગર: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતા ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા વર્ગ-1 ના અધિકારીની ધરપકડ કરી છે. ઉદ્યોગ ભવનમાં બેસતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી પાસેથી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ACB ની ટીમે શનિવારે સાંજે મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીની કારની તલાશી લીધી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન તેમની કારમાંથી જ રૂપિયા 5.51 લાખની રોકડ રકમ અને કેટલાક કિંમતી ગિફ્ટ વાઉચરો મળી આવ્યા હતા. અધિકારી પોતાની પાસે રહેલી આટલી મોટી રોકડ રકમ અંગે સંતોષકારક ખુલાસો ન કરી શકતા ACB એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કારમાંથી રોકડ મળ્યા બાદ ACB ની અલગ-અલગ ટીમો દ્વારા અશ્વિન ચૌધરીના સુરત અને ગાંધીનગર સ્થિત રહેણાંક મકાનો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. ઘરની તલાશી દરમિયાન તપાસ એજન્સીને છૂપાવીને રાખવામાં આવેલું 88.82 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને ચાંદી મળી આવ્યું હતું.
ACB દ્વારા કરવામાં આવેલી આ સમગ્ર મેગા ડ્રાઈવમાં અધિકારી પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ મળીને કુલ રૂપિયા 2.65 કરોડની માતબર મતા જપ્ત કરવામાં આવી છે. એક સરકારી અધિકારી પાસેથી આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ મળી આવતા ACB દ્વારા અશ્વિન ચૌધરી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, જેમાં અધિકારીના અન્ય કનેક્શન અને બેનામી સંપત્તિઓ અંગે પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો – CBSE-NEET: આરોપો વચ્ચે શિક્ષણ મંત્રાલયની ઓફિસમાં લાગી આગ, ઉઠ્યા સવાલો- ‘સંજોગ કે પ્રયોગ’
