- બાપુનગર પોલીસની શરમજનક કામગીરી : POCSO કેસમાં FIR નોંધવાને બદલે સગીરાને આરોપી શિક્ષક સામે બેસાડી સમાધાનના પ્રયાસો
- રક્ષક જ બન્યા ભક્ષકના મદદગાર ? અમદાવાદમાં વિદ્યાર્થીનીના યૌન શોષણ કેસમાં પોલીસની ઘોર બેદરકારી, પીડિતા હોસ્પિટલમાં દાખલ
- જીવન સાધના સ્કૂલના શિક્ષકના અડપલાં : પીડિતાને આરોપી સાથે એક જ રૂમમાં બેસાડી બાપુનગર પોલીસે કાયદાના ધજાગરા ઉડાવ્યા
અભિષેક પાંડે, અમદાવાદ, અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન સામે અત્યંત ગંભીર અને શરમજનક આક્ષેપો સામે આવ્યા છે. શહેરની જીવન સાધના શાળામાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીનીના યૌન શોષણના કેસમાં પોક્સો (POCSO) કાયદા હેઠળ તાત્કાલિક FIR નોંધવાની જગ્યાએ પોલીસે કલાકો સુધી ફરિયાદી પરિવારને પોલીસ સ્ટેશનમાં બેસાડીને “પ્રાથમિક તપાસ” અને સમાધાનના પ્રયાસો કર્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં, પોલીસે પીડિત વિદ્યાર્થીની અને આરોપી શિક્ષકને એક જ રૂમમાં સામસામે બેસાડ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદ મુજબ, જીવન સાધના સ્કૂલના શિક્ષક “પ્રણવ” સામે પોતાની જ સગીર વિદ્યાર્થીનીને રોકી રાખવા, માનસિક રીતે હેરાન કરવા તેમજ ખોટી નિયતથી અડપલાં કરવા સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ ઘટનાની લેખિત ફરિયાદ લઈને પીડિત પરિવાર બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પરંતુ પરિવારનો આરોપ છે કે પોલીસે પોક્સો જેવા સંવેદનશીલ કેસમાં કાયદા મુજબ તાત્કાલિક FIR નોંધવાના બદલે તેમને છ કલાકથી વધુ સમય સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા અને “પ્રાથમિક તપાસ”ના નામે કાર્યવાહી ટાળવાનો પ્રયાસ કર્યો.
પીડિતા અને આરોપીને સામસામે બેસાડ્યાનો આરોપ
ફરિયાદમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે પીડિત વિદ્યાર્થીની અને તેના પરિવારને પોલીસ સ્ટેશનમાં બોલાવી આરોપી શિક્ષક સાથે એક જ રૂમમાં સામસામે બેસાડ્યા હતા.
પોક્સો એક્ટ અને જ્યુવેનાઇલ જસ્ટિસ (JJ) એક્ટ મુજબ કોઈપણ સગીર પીડિતાનું નિવેદન સુરક્ષિત, નિર્ભય અને સંવેદનશીલ વાતાવરણમાં લેવામાં આવવું જોઈએ. આરોપી સામે પીડિતાને બેસાડવાથી તેને વધુ માનસિક આઘાત પહોંચી શકે છે. તેમ છતાં, બાપુનગર પોલીસ દ્વારા આ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો પરિવારનો આરોપ છે.
પીડિતાની માનસિક સ્થિતિ પર ગંભીર અસર
પરિવારનો દાવો છે કે ઘટનાના કારણે વિદ્યાર્થીની ગંભીર માનસિક તણાવમાં છે અને તેની સારવાર માટે મનોચિકિત્સકની મદદ લેવી પડી છે. સંબંધિત તબીબી દસ્તાવેજો પણ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
કઈ કલમો હેઠળ કાર્યવાહીની માંગ?
પીડિત પરિવારે આરોપી શિક્ષક સામે પોક્સો એક્ટની કલમ 9, 11 અને 12 ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 127 (ગેરકાયદેસર બંધક બનાવવું), 115(2) (શારીરિક ઇજા પહોંચાડવી), 78 તેમજ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ
પરિવારનો દાવો છે કે પોલીસે જાણબૂઝીને FIR નોંધવામાં વિલંબ કર્યો છે અને પોતાની કાયદાકીય ફરજનું પાલન કર્યું નથી. આવી પરિસ્થિતિમાં સંબંધિત પોલીસ અધિકારીઓ સામે પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
પરિવારે માંગ કરી છે કે મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં વિદ્યાર્થીનીનું નિવેદન સુરક્ષિત વાતાવરણમાં લેવામાં આવે, તાત્કાલિક FIR નોંધવામાં આવે અને આરોપી શિક્ષકની કાયદેસર ધરપકડ કરવામાં આવે.
હાલમાં પીડિતા હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
