- Gujarat Exclusive – 254 PSIને PI તરીકે પ્રમોશન સાથે પોસ્ટિંગ, ચૂંટણી પહેલા પોલીસ તંત્રમાં મોટું રિશફલ
અમદાવાદ: Gujarat Exclusive દ્વારા 16 માર્ચે આપવામાં આવેલી બ્રેકિંગ ન્યૂઝ હવે સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે. ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી અટવાયેલો મોટા પાયે ફેરબદલ અંતે અમલી બન્યો છે. રાજ્ય પોલીસ વડા દ્વારા કુલ 518 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ના ટ્રાન્સફર ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 254 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને PI તરીકે પ્રમોશન આપી તેમની નવી પોસ્ટિંગ પણ નિર્ધારિત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ જિલ્લામાં અથવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓને બદલી આપવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થામાં સંતુલન જળવાઈ રહે અને પ્રશાસનિક નિષ્પક્ષતા મજબૂત બને.
આ ફેરફારમાં ખાસ કરીને વર્ષ 2013 અને 2016ની બેચના PSIને PI તરીકે પ્રમોશન આપ્યા બાદ હવે તેમને સત્તાવાર રીતે વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પોસ્ટિંગ આપવામાં આવી છે. અત્યાર સુધી પ્રમોશન મળ્યા છતાં ઘણા અધિકારીઓ એક જ જગ્યાએ કાર્યરત હતા, પરંતુ હવે તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પણ મોટા પાયે ફેરફારો નોંધાયા છે. શહેરમાં કુલ 47 PIની બદલી કરવામાં આવી છે, જેમાં નરોડા, નારોલ, રાણીપ અને ગાયકવાડ હવેલી જેવા મહત્વના પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. મહેન્દ્ર સાલુંકે, દીપક ઠોળા, એમ.એસ. સિંઘ, પી.વી. ગોહિલ, કે.વાય. વ્યાસ અને સી.વી. ગોસાઈ સહિતના અધિકારીઓના ટ્રાન્સફર થયા છે.
આ ઉપરાંત, અગાઉ અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા કેટલાક PIને ફરી શહેરમાં મુકવામાં આવ્યા છે. જેમાં આર.ટી. ઉદાવત, જે.પી. જાડેજા, જે.કે. રાઠોડ અને એન.આર. વાઘેલાનો સમાવેશ થાય છે. સોલા પોલીસ સ્ટેશનમાં વિવાદમાં આવેલા PI જે.બી. અગ્રાવતને ઇન્ટેલિજન્સમાંથી ફરી અમદાવાદમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
બીજી તરફ CID ક્રાઇમ વિભાગને મજબૂત બનાવવા માટે 40થી વધુ PIની નિમણૂક કરવામાં આવી છે. વધતા સાયબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સમાં 17 PI મુકવામાં આવ્યા છે, જ્યારે છેતરપિંડી અને આર્થિક ગુનાઓ સામે લડવા માટે અલગ વિભાગોને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજ્યવ્યાપી આ મેગા ફેરબદલ બાદ હવે પોલીસ તંત્રમાં નવી ગતિશીલતા, જવાબદારી અને પ્રશાસનિક સ્ફૂર્તિ જોવા મળશે.
આ પણ વાંચો – Exclusive breaking : ગુજરાત પોલીસમાં મોટા પાયે હલચલ, અંદાજે 850 PIના જિલ્લા ફેરબદલના આદેશ ટૂંક સમયમાં
