- રાજકોટમાં SOG નો મોટો સપાટો: રાજસ્થાનથી MD ડ્રગ્સ લાવી રહેલા 4 નામચીન શખ્સો ઝડપાયા
રાજકોટ : રાજકોટ શહેરમાં ડ્રગ્સના કાળા કારોબારને ડામવા માટે પોલીસ સતત એક્શનમાં છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નવાગામ-બામણબોર જવાના રસ્તા પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ પાસેથી સ્વિફ્ટ કારમાં પસાર થતા 4 નામચીન શખ્સોને ૧૭.૨૫૦ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ચારેય આરોપીઓ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા ગુનેગારો છે.
કેવી રીતે ઝડપાયા આરોપીઓ?
SOG ના પીઆઇ (PI) એન.બી. ચૌધરી અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલીક વ્યક્તિઓ કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહી છે. આ બાતમીના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવીને તલાશી લેવામાં આવતા અંદરથી રૂા. ૫૨,૫૬૦ ની કિંમતનું ૧૭.૨૫૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, ચાર મોબાઇલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ રૂા. ૫.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓનો મોટો ગુનાહિત ઈતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. ખાસ કરીને નામચીન લેડી ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાનો પુત્ર પણ આ ગેંગમાં સામેલ છે:
વિનય રાજુ ઉકેડીયા (ઉ.વ.૨૭, રહે. મનહરપુર-૧): આ આરોપી વિરુદ્ધ ખૂન, દારૂ અને મારામારી સહિતના ૧૦ ગુના નોંધાયેલા છે.
હિતેશ ઉર્ફે હિતો સુનીલ ધામેલીયા (ઉ.વ.૨૫, રહે. રૈયાધાર સ્લમ ક્વાર્ટર): નામચીન ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાનો પુત્ર. તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને NDPS સહિત ૬ ગુના નોંધાયેલા છે.
ભવદીપ ઉર્ફે હાંડો પરેશ ડાભી (ઉ.વ.૨૪, રહે. રૈયાધાર): તેના વિરુદ્ધ દારૂ અને મારામારી સહિત સૌથી વધુ ૧૮ ગુના નોંધાયેલા છે.
વિશાલ રાજુભાઇ ગોહિલ (ઉ.વ.૨૧, રહે. મનહરપુર-૧): આ શખ્સ સામે મારામારી અને દારૂ સહિત ૩ ગુના નોંધાયેલા છે.
રાજસ્થાનથી લાવ્યા હતા ડ્રગ્સ
SOG ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચારેય આરોપીઓ તાજેતરમાં રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યાં સાંચોર નજીક આવેલા મહાદેવ ગેસ્ટ હાઉસ પાસેથી તેઓએ કોઈ અજાણ્યા શખ્સ પાસેથી આ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો. આરોપીઓ આ ડ્રગ્સ પોતાના અંગત સેવન (પીવા) માટે અને શહેરમાં વેચવા (પેડલિંગ) માટે લાવ્યા હોવાની કબૂલાત કરી છે.
હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ તેઓ કેટલી વખત રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા છે અને કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – ‘આરોપીને હેરાન ન કરવા 25 હજાર આપો’: 10 હજારમાં સેટીંગ કરનાર વડોદરાના મહિલા PSI ભરાયા, લાંચ લેતો વહીવટદાર પકડાયો
