અમદાવાદ/ચાંગોદર: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાની વાતો વચ્ચે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચાંગોદર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને બુટલેગરોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોકે, આ મોટા ઓપરેશને સ્થાનિક ચાંગોદર પોલીસની કામગીરી અને કહેવાતી ‘ચેકિંગ ડ્રાઈવ’ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.
મહાગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં LCB ની મેગા રેડ
ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે મોરૈયા ગામની સીમમાં આવેલા મહાગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધમધમતા શ્યામ મેટલ કંપનીના ગોડાઉનના શેડમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે ગોડાઉનની અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની (IMFL) નાની-મોટી ૩૫,૧૯૯ બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. ૭૨.૫૦ લાખ જેટલી થવા જાય છે.
દારૂના જથ્થાની હેરાફેરી માટે રાખવામાં આવેલા ૩ મહિન્દ્રા બોલેરો વાહનો અને ૬ મોબાઈલ ફોન પણ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યા છે. આમ, દારૂ અને વાહનો મળીને LCB એ કુલ રૂ. ૯૬,૨૫,૯૮૫ નો તોતિંગ મુદ્દામાલ કબજે કર્યો છે.
મહારાષ્ટ્ર અને ભાવનગરનું કનેક્શન: ૪ ની ધરપકડ
આ ગોરખધંધામાં આંતરરાજ્ય નેટવર્ક હોવાનું ખૂલ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી મહારાષ્ટ્ર અને ભાવનગરના ૪ શખ્સોની રંગેહાથ ધરપકડ કરી છે. જેમાં
૧. દિપકસિંગ મહાલે (રહે. ધુલીયા, મહારાષ્ટ્ર)
૨. આનંદ રાજપુત (રહે. ધુલીયા, મહારાષ્ટ્ર)
૩. સુધીર પંડ્યા (રહે. શિહોર, ભાવનગર)
૪. અલ્પેશભાઈ મકવાણા (રહે. બોરતળાવ, ભાવનગર) નો સમાવેશ થાય છે.
આ ચાર ઉપરાંત, દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય પાંચ શખ્સો મળીને કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ પર સવાલો!
આ રેડ પછી સૌથી મોટો સવાલ સ્થાનિક ચાંગોદર પોલીસની કામગીરી પર ઉઠી રહ્યો છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલાં અલગ-અલગ ગોડાઉન આવેલા છે. ગત ૧૯ તારીખે જ ચાંગોદર પોલીસ દ્વારા ૧ PSI અને ૨૦ પોલીસ કર્મચારીઓની ફોજ ઉતારીને તમામ ગોડાઉનો ચેક કરવા માટે એક ‘ડ્રાઇવ’ રાખવામાં આવી હતી.
પ્રજામાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે જો ખરેખર સઘન ચેકિંગ થયું હતું, તો આટલી મોટી માત્રામાં દારૂ ભરેલું આખું ગોડાઉન ચાંગોદર પોલીસની નજરમાંથી કેમ બચી ગયું? શું આ માત્ર દેખાડા ખાતરનું ચેકિંગ હતું કે પછી કોઈ મિલીભગત? આ અંગે બચાવ કરતા ચાંગોદર પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે સનાથલ-ચાંગોદર સહિતના અનેક ગોડાઉનમાં સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ચેકિંગ કરાયું હતું. પરંતુ LCB ની રેડે સ્થાનિક પોલીસના આ દાવાઓની હવા કાઢી નાખી છે.
આ પણ વાંચો – AMC ની લાલ આંખ : ૮૩ લાખથી વધુનો ટેક્સ ન ભરનારાઓની મિલકતોની હરાજી, બે પ્રોપર્ટી માત્ર ૧ રૂપિયાના ટોકનથી જપ્ત!
