સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. રોજબરોજના ઝઘડાથી કંટાળેલા એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી, પુરાવાનો નાશ કરવા માટે લાશને લાકડાની પેટીમાં ભરી તેના પર સિમેન્ટનું સ્તર લગાવી તેને સીલ કરી દીધી હતી. આરોપી પતિએ આટલેથી જ ન અટકીને પોતાના જ પુત્રના મોબાઈલથી પત્નીના પરિવારને ચિઠ્ઠી મોકલી હત્યાની કબૂલાત કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.
પિતાની શોધખોળ અને જમાઈનું જૂઠાણું
છત્તીસગઢના જગદલપુરના રહેવાસી પ્રદીપભાઈ કોસ્ટાએ 21મી એપ્રિલે પોતાની 39 વર્ષીય પુત્રી શિલ્પાને ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા તેમણે જમાઈ વિશાલ સાલવીનો સંપર્ક કર્યો હતો. વિશાલે તે સમયે જૂઠું બોલીને પિતાને ગેરમાર્ગે દોર્યા હતા કે શિલ્પા 20મી એપ્રિલથી ગુમ છે. ચિંતાતુર પિતાએ 24મી એપ્રિલે સુરત આવી ગોડાદરા પોલીસ મથકે પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પુત્રના મોબાઈલથી આવેલી એક ચિઠ્ઠી અને સત્યનો ધડાકો
ગુમ થયાની ફરિયાદના બીજા જ દિવસે શિલ્પાના પિતરાઈ ભાઈના વોટ્સએપ પર તેના 13 વર્ષના પુત્ર આરવના મોબાઈલથી એક ફોટો આવ્યો. આ ફોટો એક ચિઠ્ઠીનો હતો, જેમાં વિશાલે લખ્યું હતું કે, “રોજબરોજના ઝઘડાથી કંટાળીને હું આ ગુનો કરવા મજબૂર થયો છું. શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા પાસેના મારા જૂના મકાનના પહેલા માળે તાળું મારેલા રૂમમાં છે.”
સિમેન્ટ ભરેલી પેટીમાંથી મળી લાશ
પોલીસે તાત્કાલિક તે સ્થળે પહોંચી તપાસ કરતા એક લાકડાની પેટી મળી આવી હતી. આરોપીએ પુરાવાનો નાશ કરવા અને લાશની દુર્ગંધ બહાર ન આવે તે માટે પેટીમાં લાશ મૂકી ઉપરથી સિમેન્ટ ભરી તેને પાકી કરી દીધી હતી. પોલીસે મકાનનું તાળું તોડી પેટીમાંથી શિલ્પાનો કોહવાયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પોલીસ તપાસ અને ફરાર આરોપી
શિલ્પા અને વિશાલના લગ્ન 2010માં થયા હતા અને તેમને બે સંતાનો છે. લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા અણબનાવે આ કરૂણ અંજામ આપ્યો છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિશાલ સાલવીની શોધખોળ હાથ ધરી છે. મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FPM) માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો – રિપોર્ટર પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- “હું બળાત્કારી નથી”- હુમલાખોરના મેનિફેસ્ટોએ અમેરિકામાં મચાવ્યો ખળભળાટ
